Site icon Revoi.in

PM મોદીએ કોરોના સ્થિતિ અંગે કરી બેઠક, આપ્યા આ નિર્દેશ

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે પીએમ મોદીએ કોરોનાની સ્થિતિને લઇને એક વ્યાપક સમીક્ષા બેઠક કરી હતી. બેઠક દરમિયાન દેશના વિવિધ રાજ્યો અને જીલ્લામાં કોરોનાથી સર્જાયેલી સ્થિતિને લઇને પીએમ મોદી સામે રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

દેશમાં આ સમયે આશરે 12 એવા રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ જાણકારી પીએમ  મોદીને સમીક્ષા બેઠક દરમિયાન આપવામાં આવી હતી. તે ઉપરાંત જે જીલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે તે અંગે પીએમ મોદીએ જાણકારી મેળવી હતી.

કઇ રીતે રાજ્યો તરફથી સ્વાસ્થ્ય સુવિધા અને સવલતોને વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે તે અંગે પીએમ મોદીએ અવગત કરવામાં આવ્યા હતા. આ બાદમાં પીએમ મોદીએ નિર્દેશ આપ્યા કે રાજ્યોને સ્વાસ્થ્ય આંતરમાળખુ વધારવા માટે મદદ અને સૂચન આપવામાં આવે.

આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન દવાઓની ઉપલબ્ધતાને લઇને પણ પીએમ મોદીએ સમીક્ષા કરી હતી. કઇ રીતે કોરોનામાં ઉપયોગી રેમડેસિવીર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે તે અંગે પીએમ મોદીને જાણકારી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ આગામી કેટલાક મહિનામાં કરવામાં આવનાર વેક્સિનેશનના ચિતાર અને તે દિશામાં થઇ રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, આશરે 17 કરોડ 7 લાખ વેક્સિન રાજ્યોને સપ્લાઇ થઇ છે.

(સંકેત)