Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષ બાદ ટ્રેન સેવા પૂર્વવત થશે, બંને દેશોના વડાપ્રધાન ઉદ્વાટન કરશે

Social Share

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સુદૃઢ સંબંધોના પ્રતિકરૂપે બંને દેશ વચ્ચે 55 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી ટ્રેન સેવા શરૂ થશે. 17મી ડિસેમ્બરે બંને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના આ ટ્રેન સેવાનું ઔપચારિક ઉદ્વાટન કરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ટ્રેન હલ્દીબાડી અને બાંગ્લાદેશના ચીલહટી સુધી દોડશે. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના એક પ્રવક્તાએ મીડિયાને આ માહિતી આપી હતી.

તેના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1965માં ભારત અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ટ્રેન સેવા બંધ થઇ હતી. કૂચબિહારમાં આવેલા હલ્દીબાડી અને હાલના બાંગ્લાદેશના ચિલહટી સુધી આ ટ્રેન દોડતી હતી.

નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાનન ચંદ્રાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ રેલવે લાઇનનું ઔપચારિક ઉદ્વાટન 17 ડિસેમ્બરના રોજ કરશે.

કટિહાર રેલવે સ્ટેશનના એક અધિકારી અનુસાર તેઓને ગુરુવારે વિદેશ ખાતાએ ટ્રેન સેવા શરૂ થઇ રહ્યાની જાણ કરી હતી. પહેલાં એક માલગાડી ચિલહટીથી નીકળીને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના ડિવિઝનમાં કટિહાર સુધી આવશે. હલ્દીબાદી રેલવે સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય સરહદ સાડા ચાર કિલોમીટર દૂર છે જ્યારે ચિલહટી રેલવે સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય સરહદ સાડા સાત કિલોમીટર દૂર છે.

નોંધનીય છે કે આ માર્ગ પર પેસેન્જર ટ્રેન શરૂ થશે ત્યારે લોકો સિલિગુડી પાસે આવેલા જલપાઇગુડીથી કોલકાતા માત્ર સાત કલાકમાં પહોંચી શકશે. અત્યારે આ પ્રવાસ કરતાં મુસાફરોને બાર કલાકથી વધુ સમય લાગે છે.

(સંકેત)