Site icon Revoi.in

કાર્યભાર સંભાળતા જ નવા રેલવે મંત્રી એક્શનમાં આવ્યા, લીધો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણ બાદ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી પહેલા પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી નાંખ્યો. હવે રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે. આ સ્ટાફ સવારે 7 વાગ્યાથી લઇને રાતે 12 વાગ્યા સુધી કામ કરશે.

રેલવે મંત્રાલયના અધિકારીઓ અનુસાર હાલ આ આદેશ ફક્ત રેલવે મંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ માટે જ છે. આગામી સમયમાં તેનો વિસ્તાર થઇ શકે છે. અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય ઉપરાંત Information and Technologyની પણ જવાબદારી અપાઇ છે.

અગાઉ રેલવે મંત્રાલાયનો કાર્યભાર પિયુષ ગોયલ પાસે હતો. તેમને હવે કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. કાપડ મંત્રાલય સ્મૃતિ ઇરાનીના હેઠળ હતું અને હવે તેમને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ઓડિશાથી ભાજપના સાંસદ અશ્વિની વૈષ્ણવ બ્યૂરોક્રેટ (નોકરશાહ) રહી ચૂક્યા છે. તેઓ 1994 બેચના આઈએએસ અધિકારી હતા. અશ્વિની વૈષ્ણવે આઈએએસ અધિકારી હતા ત્યારે અનેક શાનદાર કામ કર્યા હતા. ઓડિશાના  બાલાસોરમાં આવેલા સમુદ્રી તોફાન સમયે રાહત પહોંચાડવાને લઈને તેઓ ચર્ચામાં હતા. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી સરકારમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.