Site icon Revoi.in

રાજ કુંદ્રાની ઑફિસમાંથી સિક્રેટ લોકર મળી આવ્યું, અનેક દસ્તાવેજ કરાયા જપ્ત

Social Share

નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને તેમને કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા સાથે સંકળાયેલા કેસમાં મુંબઇ પોલીસે ફરી એક વખત રાજ કુંદ્રાની ઑફિસમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાંચને એક લોકર મળી આવ્યું હતું. જેમાં અનેક દસ્તાવેજો છે. પોલીસે તે દસ્તાવેજો જપ્ત કરી લીધા છે. હાલમાં રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે.

ક્રાઇમ બ્રાંચે અંધેરી વેસ્ટ સ્થિત રાજ કુંદ્રાની ઑફિસ વિયાન કંપનીમાં ફરીથી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એક લોકર જપ્ત કરી લીધું હતું. તે લોકરને ઑફિસમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. તેમાંથી બિઝનેસ, ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. હાલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરાઇ હતી અને આ કેસમાં આર્થિક ગોલમાલના એન્ગલની પણ તપાસ કરાઇ રહી છે. ક્રાઇમ બ્રાંચને આશંકા છે કે રાજ કુંદ્રા કથિત પોર્ન મૂવીઝ બનાવીને ખૂબ જ પૈસા કમાયો હતો જેને તેણે ક્રિકેટ બેટિંગ અને ક્રિપ્ટો કરન્સીમાં લગાવી દીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, 45 વર્ષીય બિઝનેસમેન અશ્લીલ સામગ્રી નિર્માણ અને વેચાણની ગેરકાયદેસર ગતિવિધિઓ દ્વારા આર્થિક લાભ કમાઈ રહ્યો હતો. પોલીસે કરેલા દાવા પ્રમાણે તેમણે રાજ કુંદ્રાનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને તેમાં રહેલી સામગ્રીઓની તપાસ જરૂરી છે. સાથે જ તેના બિઝનેસના સોદાઓ અને લેવડ-દેવડ પણ જોવી પડશે.