Site icon Revoi.in

આજે બીસીસીઆઇની એજીએમ યોજાશે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાના નામ પર લાગી શકે છે મહોર

Social Share

અમદાવાદ: આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાવા જઇ રહી છે. આ એજીએમ બેઠક પર સૌ કોઇની નજર મંડાયેલી છે. બીસીસીઆઇના રાજકારણમાં પણ અનેક પરિવર્તન આવે તેવી શક્યતા છે. આ એજીએમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ શુક્લાની પસંદગી બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થઇ શકે છે. આજે અમદાવાદમાં યોજાનારી બીસીસીઆઇની એજીએમમાં રાજીવ શુક્લાને આગામી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવા માટે સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે.

ક્રિકેટની દુનિયામાં ઘણા વર્ષો સુધી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ શુક્લા સેવા આપી ચૂક્યા છે. અગાઉ રાજીવ શુક્લા આઇપીએલના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તો વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. રાજીવ શુક્લાના બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ બનવાથી બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને પણ એક અનુભવી વ્યક્તિનો સાથ મળશે.

સૂત્રો અનુસાર આ વખતે બીસીસીઆઇની ચૂંટણી માત્ર ઔપચારિક રીતે થશે કારણ કે, રાજીવ શુક્લાના નામ પર પહેલા જ સહમિત સધાઇ ચૂકી છે. બીસીસીઆઇના ચૂંટણી અધિકારીઓએ પણ શુક્લાના નામ પર મહોર મારી દીધી છે.

નોંધનીય છે કે રાજીવ શુક્લાના નામનો પ્રસ્તાવ ડીડીસીએના પ્રેસિડેન્ટ રોહન જેટલી અને ઉત્તરાખંડના મહિમ વર્મા દ્વારા મૂકવામાં આવ્યો છે. જેઓ આ વર્ષના પ્રારંભમાં આ પદ ખાલી કરી ચૂક્યા છે.

(સંકેત)