- પાક. સરહદ નજીક ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન
- હાઇવે પર ફાઇટર વિમાનોનું જોરદાર લેન્ડિંગ
- ભારતીય વાયુસેનાના સુખોઇ તેમજ જગુઆર જેવા ફાઇટર વિમાનોએ પોતાના દમનો પરચો આપ્યો
નવી દિલ્હી: રક્ષા મંત્રાલયના આ પગલાંથી દુશ્મનો ફફડી ઉઠશે. રાજસ્થાનના જાલૌરમાં બાડમેર હાઇવે પર સ્પેશિયલ એરસ્ટ્રિપની શરૂઆત કરાઇ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગંધવ-બાખાસર ખંડમાં નેશનલ હાઇવે 925 પર બનેલા ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું આજે ઉદ્વાટન કર્યું હતું. તે ઉપરાંત ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદથી નજીક શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. ભારતીય વાયુસેનાના સુખોઇ તેમજ જગુઆર જેવા ફાઇટર વિમાનોએ પોતાના દમનો પરચો આપ્યો હતો.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભારતીય વાયુસેનાના સ્પેશિયલ વિમાનમાં આવ્યા હતા અને આ વિમાનનું આ જ એરસ્ટ્રિપ પર ઉતરણ કરવામાં આવ્યું હતું. NH-925 ભારતનો પ્રથમ એવો રાજમાર્ગ છે જેનો ઉપયોગ વાયુસેનાના વિમાનો આપાતકાલીન સ્થિતિમાં ઉતરણ માટે કરી શકશે.
Emergency Landing Facility on Satta-Gandhav stretch of NH-925A near Barmer is being inaugurated. Watch https://t.co/MykNONmJQX
— Rajnath Singh (@rajnathsingh) September 9, 2021
NHAI એ ભારતીય વાયુસેના માટે ઈમરજન્સી સ્થિતિમાં વિમાન ઉતારવા માટે એનએચ-925એના સટ્ટા-ગંધવ ખંડના 3 કિમીના ભાગ પર આ ઈમરજન્સી એરસ્ટ્રિપનું નિર્માણ કર્યું છે. ELF નું નિર્માણ 19 મહિનામાં પૂરું કરાયું છે. તેનું નિર્માણ કાર્ય જુલાઈ 2019માં શરૂ કરાયું હતું. અને જાન્યુઆરી 2021માં તે તૈયાર થઈ ગયું હતું. IAF અને NHAI ની દેખરેખમાં જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે તેનું નિર્માણ કર્યું છે.
કુંદનપુરા, સિંઘાનિયા અને બાખાસર ગામોમાં વાયુસેના/ભારતીય સેનાની જરૂરિયાત પ્રમાણે 3 હેલિપેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પશ્વિમી આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સેના તેમજ સુરક્ષા નેટવર્કના સુદૃઢીકરણનો આધાર હશે.
ઓક્ટોબર 2017માં ભારતીય વાયુસેનાના ફાઈટર અને પરિવહન વિમાનોએ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર મોક લેન્ડિંગ કર્યું હતું. જેથી કરીને એ જોઈ શકાય કે હાઈવેનો ઉપયોગ વાયુસેનાના વિમાનો દ્વારા ઈમરજન્સી સ્થિતિમાં લેન્ડિંગ માટે કરી શકાય છે.