- ભારતમાં થતા માર્ગ અકસ્માતને લઇને દેશના 6 મેટ્રો શહેરમાં કરાયો સર્વે
- સર્વેમાં સામેલ 97 ટકા લોકોએ મોબાઇલ ફોનને અકસ્માતનું કારણ ગણાવ્યું
- 81 ટકા લોકો વિચારે છે કે આક્રમક ડ્રાઇવિંગ એ દેશમાં દુર્ઘટનાઓનું મુખ્ય કારણ
નવી દિલ્હી: સમગ્ર ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં હજારો લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. વાહન અકસ્માતને લઇને ફોર્ડ કાર્ટેસી નામનો સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોન સૌથી વધુ વિચલિત કરે છે તે કારણ સામે આવ્યું છે. મોટા મેટ્રો શહેરોના સર્વેક્ષણ કરનારા લોકોમાંથી 97 ટકા લોકોએ તેને દેશમાં અકસ્માતનું મુખ્ય કારણ માન્યું છે. સર્વેમાં એ પણ ખુલાસો થયો છે કે ભારતીય રસ્તાઓનો ઉપયોગ કરતા લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિનો અભાવ છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટથી સંબંધિત સવાલો પૂછવામાં આવતા માત્ર 6 ટકા ઉત્તરદાતાઓને 50 ટકાથી વધુ પોઇન્ટ મળ્યા હતા.
ફોર્ડ કાર્ટેસી સર્વેની ત્રીજી આવૃત્તિમાં પણ આદર્શ માર્ગ વ્યવહારમાં સ્વાભાવિક અવરોધો હોવાનું બહાર આવ્યું છે અને સલામત રસ્તાના ઉપયોગ માટે માર્ગ અને વ્યાપક માર્ગ સલામતી શિક્ષણ કાર્યક્રમની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો છે.
આ સર્વે માટે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઇ તેમજ હૈદરાબાદ એમ 6 શહેરોમાં વર્ષ 2020ના બીજા ભાગમાં કુલ 1561 ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આમા પણ એ ખ્યાલ આવ્યો હતો કે 6 શહેરોમાં કોલકાતા અને ચેન્નાઇમાં સૌથી આદર્શ રોડ ઉપયોગકર્તા છે.
સર્વેના તારણો અનુસાર, મોબાઇલ ફોન ખરા અર્થમાં ધ્યાન વિચલિત કરતી ચીજ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 3માંથી એક ઉત્તરદાતાઓ માનતા હતા કે તેમના શહેરમાં ટ્રાફિકની સ્થિતિ ખૂબ જ ખરાબથી લઇને અત્યંત ખરાબ સુધીની હોય છે, 97 ટકા લોકો માને છે કે વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ખ્યાલ આવે છે અને 81 ટકા લોકો વિચારે છે કે આક્રમક ડ્રાઇવિંગ એ દેશમાં દુર્ઘટનાઓનું મુખ્ય કારણ છે.
(સંકેત)