- પાણીની અછત, બદલાતા હવામાનની ચોખાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડશે
- આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે તેવી સંભાવના
- વર્ષ 2050 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં જંગી ઘટાડો થઇ શકે છે: સંશોધન
નવી દિલ્હી: પાણીની અછત, બદલાતા હવામાન અને ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોસર આગામી 30 વર્ષોમાં ચોખાનું અસ્તિત્વ જ ના રહે અને તે પ્લેટમાંથી ગાયબ જ થઇ જાય તેવી સંભાવના છે. ઇલિનોયસ યુનિવર્સિટીના અમેરિકન સંશોધનકર્તાઓની ટીમે ભારતમાં વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદન ક્ષેત્રનો અભ્યાસ કર્યો. ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં જંગી ઘટાડો થઇ શકે છે.
સંશોધનકર્તાઓના અહેવાલ અનુસાર જો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જમીનના સંરક્ષણ માટે કરવામાં ના આવે અને લણણીના સમયે અપશિષ્ટોને સિમિત કરવા પર ધ્યાન કેન્દ્રિત નહીં કરાય તો ભાવિમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે. આ ટીમે બિહાર સ્થિત નોર્મન બોરલોગ ઇન્સ્ટિટ્યૂટનાં ચોખા ઉત્પાદન કેન્દ્ર પર સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનનો ઉદ્દેશ્ય વર્ષ 2050 સુધીમાં ચોખાની ઉપજ તેમજ પાણીની માગનો અંદાજ લગાવવાનો હતો.
આ અભ્યાસના મુખ્ય લેખક અને ઇલિનોઇસ યુનિ.ના કૃષિ અને જૈવિક ઇજનેરી વિભાગના પ્રોફેસર પ્રશાંત કાલિતાએ જણાવ્યું કે, પાક પર બદલાતા હવામાન ઉપરાંત તાપમાન, વરસાદ તેમજ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાને અસર થાય છે. ચોખા જેવા પાકના વિકાસ માટે ખાસ કરીને આવશ્યક સામગ્રી છે. બદલાતા હવામાનની પણ ચોખાના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડશે.
એક એવો અંદાજ લગાવવામાં આવે છે કે જો ચોખા ઉત્પાદક ખેડૂતો વર્તમાન પદ્ધતિઓ સાથે ખેતી કરવાનું ચાલુ રાખે છે, તો તેમના છોડની ઉપજમાં 2050 સુધીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. સંશોધનનાં મોડેલિંગ પરિણામો સૂચવે છે કે પાકનાં વિકાસનો તબક્કો ઘટતો જાય છે.
(સંકેત)