પોર્નોગ્રાફી કેસ: રાજ કુન્દ્રાના 7.5 કરોડ રૂપિયા કરાયા જપ્ત, રોજની આટલી કમાણી થતી હતી
- પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુંદ્રાના એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાઇ
- રાજ કુન્દ્રાના એકાઉન્ટ્સમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કરાયા
- રોજની 6 થી 8 લાખ રૂપિયાની કમાણી થતી હતી
નવી દિલ્હી: પોર્નોગ્રાફિક કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરાયા બાદ પોલીસે રાજ કુંદ્રાની કંપનીના એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. પોલીસે તેના અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
અશ્લિલ કન્ટેન્ટ એપ મારફતે આ કમાણી થઇ હોવાનું પોલીસ માની રહી છે. આ અંગે મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના કમિશનર મિલિંદ ભારમ્બેએ કહ્યું હતું કે, કુંદ્રાનો અશ્લિલ ફિલ્મોને વેપાર લોકડાઉનમાં પણ સારો ચાલી રહ્યો હતો અને તે એક દિવસમાં 6-8 લાખની કમાણી કરી રહ્યો હતો. કુન્દ્રાએ 18 મહિના પહેલા આ બિઝનેસની શરૂઆત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, શરૂઆતમાં દિવસની બે થી ત્રણ લાખની કમાણી થતી હતી પણએ પછી આ રકમ વધીને 6 થી 8 લાખ રૂપિયા થઈ ગઈ હતી. પૈસાની ટ્રાન્સફરના હજારો ડોક્યુમેન્ટ છે. તેની તપાસ ચાલી રહી છે.અત્યાર સુધી અમે અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
રાજ કુન્દ્રા આ પ્રકારના વિડિયો ભારતમાંથી અપલોડ કરી શકે તેમ નહોતા. એટલે મુંબઈમાં વિડિયો શૂટ કરવામાં આવ્યા બાદ આ તમામ વિડિયો ફોરેન પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રાન્સફર કરાતા હતા અને ત્યાંથી આ વિડિયો એપ પર અપલોડ કરવામાં આવતા હતા.