Site icon Revoi.in

નમસ્તે સદા વત્સલે! આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ: જાણો કેટલીક રોચક વાતો

Social Share

સંકેત.મહેતા

રાષ્ટ્રને સંગઠિત કરવાનું પવિત્ર લક્ષ્ય અર્થાત્ આપણા બધા દેશવાસીઓને સમાજ ચિરકાલીન માતૃભક્તિની ભાવના ભરીને તેમને રાષ્ટ્ર સુત્રમાં જોડવાનું કાર્ય અત્યંત જટિલ છે. આપણે જેને સંગઠિત કરવા માંગીએ છીએ તેઓ અસંગઠિત છે. આમાંથી કાર્યોપયોગી વ્યક્તિને શોધવી, તેમને સન્માનથી સંગઠનમાં અનુકૂળ કાર્ય આપતા રહીને સુત્રબદ્વ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવાનું કાર્ય જટિલ છે. આમ છતાં રાષ્ટ્રહિત જ સર્વોપરીની ભાવનાથી હરહંમેશ દેશની દરેક વિકટ પરિસ્થિતિઓમાં પણ હંમેશા અગ્રેસર રહેતું અને વિવિધ સેવાકાર્યોમાં હરહંમેશ આગળ રહેતું સંઘ આ જ રાષ્ટ્રને સંગઠિત કરવા માટે હંમેશા પ્રતિબદ્વ રહે છે.

આજે  વિજયાદશમીનું પર્વ. પરાજય પર વિજયનું પર્વ. આજના જ દિવસે વર્ષ 1925માં નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઇ હતી. ચાલો આજે સંઘના કેટલાક પાસાઓ પર ચર્ચા કરીએ.

સ્થાપના

વર્ષ 1925માં વિજયાદશમીના પાવન પર્વ પર ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. આજે સમગ્ર દેશમાં સંઘની 40 હજારથી વધુ દૈનિક શાખા થાય છે. સમાજના દરેક ક્ષેત્રમાં સંઘની પ્રેરણાથી વિભિન્ન સંગઠનો સક્રિય છે જે રાષ્ટ્ર નિર્માણ અને હિંદુ સમાજને સંગઠિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સંઘના વિરોધીઓએ ત્રણ વાર વર્ષ 1948, 1975 તેમજ 1992માં તેના પર પ્રતિબંધ લગાવ્યો પરંતુ દરેક પ્રતિંબધો બાદ પણ સંઘ વધુને વધુ મજબૂત થઇને સામે આવ્યું. સંઘ એક સામાજીક અને સાંસ્કૃતિ સંગઠન છે.

પ્રાચીનકાળથી આપણા રાષ્ટ્ર જીવન પર નજર કરીએ તો માલુમ પડે છે કે આપણા સમાજના ધર્મપ્રધાન જીવનના કેટલાક સંસ્કારો અનેક પ્રકારની વિપત્તિઓ છતાં હજુ પણ જોવા મળે છે. અહીંયા ધર્મ પાલન કરનારા, પ્રત્યક્ષ પોતાના જીવનમાં આચરણ કરનારા તપસ્વીઓ, ત્યાગી તેમજ જ્ઞાની અખંડ પરંપરા તરીકે સામે આવ્યા છે. તેઓને જ કારણે દેશની રક્ષા થઇ છે અને તેઓની જ પ્રેરણાતી રાજ્ય નિર્માતા પણ ઉપસ્થિત થયા છે.

અર્થાત્, અહીંયા આપણે એ સમજ કેળવવાની આવશ્યકતા છે કે લૌકિક દ્રષ્ટિએ સમાજ ત્યારે જ સફળ બનશે જ્યારે તે પ્રાચીન પરંપરાઓને આપણે યુગ અનુસાર અનુકૂળ બનાવીશું. યુગાનુકૂળ કહેવાનું કારણ એ છે કે દરેક યુગમાં આ પરંપરા ઉચિત રૂપ ધારણ કરીને સામે રહી છે. ક્યારેક ગિરીકંદ્રાઓની પર્વતમાળાઓ, અરણ્યોમાં રહેતા તપસ્વી થયા તો ક્યારેક યોગી પણ બન્યા. ક્યારેક યજ્ઞ-હવન અથવા ભગવાનના ભજનકિર્તન અને સંતોથી આ પરંપરા ચાલતી આવી છે.

આજના આ યુગમાં આવા એક-એક, બે-બે, અહીંયા-ત્યાં વિખરાયેલા, પુનીત જીવનનો આદર્શ રાખનારા દ્વારા ધર્મનું જ્ઞાન, ધર્મની પ્રેરણા અપાય તેનાથી કામ નહીં ચાલે. આજના યુગમાં રાષ્ટ્રની રક્ષા અને પુન:સ્થાપના કરવા માટે આવશ્યક છે કે ધર્મના દરેક પ્રકારના સિદ્વાંતોને ગ્રહણ કરીને આપણા સાંપ્રદાયિક જીવનને ચલાવીને અને સમાજને પોતાની છત્ર-છાયામાં લઇને ચાલવાની ક્ષમતા રાખનારા અસંખ્ય લોકોનું સુવ્યવસ્થિત જીવન એક સચરિત્ર, પુનીતથી સંપૂર્ણ શક્તિના રૂપમાં પ્રગટ થાય અને આ જ શક્તિ સમાજમાં સર્વવ્યાપી થઇને ઉભરે. આ જ આ યુગની આવશ્યકતા છે.

આ આવશ્યકતાને પૂર્ણ કરવા જે સ્વયંસ્ફૂર્ત વ્યક્તિ હોય છે તે જ ખરા સ્વયંસેવકો હોય છે અને આ સ્વયંસેવકોની સંગઠિત શક્તિ જ આ આવશ્યકતાઓને પૂર્ણ કરશે તેવો સંઘ વિશ્વાસ ધરાવે છે.

આજે સમગ્ર ભારતમાં જે સંઘની પ્રાર્થના છે તે સંઘની સ્થાપનાના 15 વર્ષો પછી તૈયાર કરવામાં આવી. પ્રથમ 15 વર્ષો સુધી એક શ્લોક મરાઠીમાં અને એક શ્લોક હિંદીમાં, એ રીતે બંને શ્લોકને જોડીને પ્રાર્થના કરાતી હતી. પંજાબ, બંગાળ, મદ્રાસ, મહાકોશલ, ઉત્તર પ્રદેશ જેવા બિન-મરાઠી પ્રદેશોમાં સંઘનું કાર્ય વર્ષ 1937થી જ શરૂ થયું હતું. ત્યાંના સ્વયંસેવકો પણ તેમને હિંદી-મરાઠી પ્રાર્થના જ કહેતા હતા. આ પ્રાર્થનામાં એક નિરાશા ભાવનો જન્મ આપતી પંક્તિ હતી જે ડૉક્ટરજીને નાપસંદ હતી. આ બાદ તેઓએ આ પંક્તિમાં ફેરફાર કર્યો અને સદગુણોનો સ્વીકાર પંક્તિમાં ઉમેર્યો.

સંઘે કોઇપણ વ્યક્તિને પોતાના ગુરુ નથી માન્યા. હકીકતમાં, હિંદુ સમાજમાં તો હજારો વર્ષોથી ગુરુ-શિષ્યની પરંપરા ચાલતી આવે છે. ડૉક્ટરજી પણ આ પરંપરાનું અનુકરણ કરીને ગુરુ સ્થાન પર આરુઢ થતા તો તેના પર કોઇએ ત્યારે કે આજે પણ દોષારોપણ ના કર્યુ હોત. પોતાના નામની જયજયકાર દરેક વ્યક્તિને પસંદ હોય. જો કે ડૉક્ટરજી સામાન્ય પુરુષ હતા. તેઓએ કહ્યું કે, સંઘમાં કોઇ વ્યક્તિ ગુરુ નહીં રહે, પરમ પવિત્ર ભગવા ધ્વજ જ આપણા ગુરુ છે.

સંઘની કાર્યપદ્વતિ અનેક વિશેષતાઓથી ભરપૂર છે. નિત્ય શાખા તો સંઘનું મૂળ તત્વ છે. શાખાઓના કાર્યક્રમોમાં પરિવર્તન થયા. આદેશોની ભાષા બદલી પરંતુ મૂળ તત્વ અકબંધ રહ્યું. અનેક લોકોએ સંઘની શાખાની નકલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓના દરેક પ્રયાસો નિરર્થક નિવડ્યા. એ સંભવ પણ નથી. જ્યાં સુધી ડૉક્ટર હેડગેવાર જેવું વ્યક્તિત્વ કે જેઓએ સંઘની શાખાઓ માટે પોતાના વ્યક્તિગત જીવનની આહુતિ આપીને, સર્વ પ્રલોભનો, મોહ-માયા છોડીને સંઘમાં સમર્પિત ભાવ રાખીને સંઘને વધુને વધુ મજબૂત કરવાનું કાર્ય નિરંતર કર્યું. જ્યાં સુધી આ પ્રકારનું ઉમદા વ્યક્તિત્વ નહીં મળે ત્યાં સુધી શાખાની નકલ કરવી અસંભવ છે.

સંઘની કાર્યપદ્વતિની અનેક વિશેષતાઓ છે. શિબિર છે. નિયમિતપણે યોજાતી બેઠકો છે, નિયમિતપણે આયોજીત થનારા બૌદ્વિક વર્ગ છે. સંઘ ગીત છે. વર્ષભરમાં ઉજવાતા 6 ઉત્સવો અને આ ઉત્સવો માટે અધ્યક્ષની પસંદગી છે અને તેઓના નિવાસની વ્યવસ્થા છે. કાર્યક્રમોની યોજના છે. સ્વદેશીનું અભિમાન છે. અખબારોમાં પ્રસિદ્વિ સંબંધિત એક વિશેષ દ્રષ્ટિકોણ છે.

સંઘમાં હિંદુ શબ્દનો પ્રયોગ ઉપાસના, પંથ, ધર્મ માટે નથી હોતો. માટે જ સંઘ કોઇ ધાર્મિક સંગઠન નથી. હિંદુની એક જીવન દૃષ્ટિ છે, જીવન પ્રત્યેનો એક દૃષ્ટિકોણ છે અને જીવવાનો એક માર્ગ છે. આ જ અર્થમાં સંઘમાં હિંદુનો પ્રયોગ થાય છે.

નોંધનીય છે કે, સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવકો દ્વારા અભૂતપૂર્વ કામ શરૂ કર્યું છે. જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિદ્યાભારતી, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, પંડીત દિનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય વિકાસ પરિષદ, વનવાસી કલ્યાણ પરિષદ, ભારતીય કિશાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગીત જેવા ઉપરોક્ત અનેક ક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભક્તિના સંસ્કારમાં પ્રવૃતમય કરેલ છે અને આજે વિશ્વમાં સંગઠનની શક્તિનો પરચો પણ આપ્યો છે. ભારતના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી મુખ્યમંત્રી આ દરેક સંઘના સ્વયંસેવક રહી ચૂક્યા છે. વિશ્વમાં ભારત આર્થિક પગભર બનીને સર્વાંગી વિકાસ સાધે, જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસિલ કરે અને આધ્યાત્મિકતા અને ચારીત્ર્યવાન લોકો દ્વારા સંગઠીત સમાજના નિર્માણથી ભારત હંમેશા વિશ્વ ફલક પર ટોચ પર રહે તેવો સંઘનો ઉદ્દેશ્ય છે અને હરહંમેશ રહેશે.