- સુપ્રીમ કોર્ટે દેશની સર્વોચ્ચ બેંક RBIને આપ્યો આદેશ
- RBI 6 મહિનાની અંદર બેંકોના લોકર ફેસિલિટ મેનેજમેન્ટ મામલે રેગ્યુલેશન નક્કી કરે
- બેંક લોકરના સંચાલન મામલે ગ્રાહક પ્રત્યે પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશની સર્વોચ્ચ બેંક RBIને સૂચિત કર્યું છે, તે 6 મહિનાની અંદર બેંકોના લોકર ફેસિલિટ મેનેજમેન્ટ મામલે રેગ્યુલેશન નક્કી કરે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, બેંક લોકરના સંચાલન મામલે ગ્રાહક પ્રત્યે પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલના ગ્લોબલાઇઝેશનના સમયમાં બેંકોનો રોલ ખૂબ જ મહત્વનો છે. સામાન્ય લોકોના જીવનમાં તેનો મહત્વનો રોલ છે. સ્થાનિકથી લઇને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનમાં બેંકોનો મહત્વનો રોલ છે. લોકો ઘરમાં પોતાની ચલ સંપત્તિ રાખવામાં સંકોચ કરે છે અને હવે આપણે કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ. તેવામાં એ વાત મહત્વની છે કે, બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે લોકર વગેરેની સર્વિસ ફરજીયાત જેવી થઇ ગઇ છે.
ટેકનિકલ વિકાસના કારણે હવે આપણે બે ચાવીવાળા લોકરથી ઈલેક્ટ્રોનિક ઓપરેટ થતા લોકર તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં લોકર ઈલેક્ટ્રોનિક રીતે ઓપરેટ થાય છે અને તેના માટે પાસવર્ડ હોય છે. એ વાતની પણ આશંકા રહે છે કે, ગુનેગારો ટેકનિકલ હેરફેર કરી લોકર સુધી પહોંચી જાય છે અને કસ્ટમરને જાણ પણ નથી થતી.
કોર્ટે કહ્યું કે, કસ્ટમર સંપૂર્ણ રીતે બેંકની દયા પર નિર્ભર રહે છે. જ્યારે કે બેંકો પાસે વધુ સંસાધન છે કે તે સંપત્તિને પ્રોટેક્ટ કરે. એવી સ્થિતિમાં બેંક પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી ન શકે કે બેંકના લોકરના ઓપરેશનની જવાબદારી તેમની નથી. કોર્ટે કહ્યું કે, બેંક લોક લેવા પાછળ કસ્ટમરનો ઉદ્દેશ્ય જ એ હોય છે કે તે એ વાત લઈને નિશ્ચિંત રહે કે તેમની સંપત્તિ સુરક્ષિત છે. એવામાં આ જરૂરી છે કે આરબીઆઈ સમગ્ર નિર્દેશ બહાર પાડી કહે કે, બેંક લોકર સુવિધા અને સેફ ડિપોઝિટ ફેસિલિટી મેનેજમેન્ટ માટે પગલાં ઉઠાવે.
બેંકોને એ લિબર્ટી ન હોવી જોઈએ કે, તે એકતરફી શરત લગાવે અને કસ્ટમર પર અનફેર શરત થોપે. કોર્ટે કહ્યું કે, તેને જોતા અમે આરબીઆઈને નિર્દેશ આપીએ છીએ કે તે છ મહિનાની અંદર લોકર ફેસિલિટીને લઈને યોગ્ય રેગ્યુલેશન અને નિયમ નક્કી કરે.
(સંકેત)