પરિવારજનો માટે સુપ્રીમનો મહત્વનો નિર્ણય, મૃતકોના પરિવારને વળતર આપવાનો કર્યો નિર્દેશ
- કોરોના મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે સુપ્રીમનો મહત્વનો નિર્ણય
- સુપ્રીમે કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા
- પરિજનોને આપવાની થતી રકમ નિર્ધારિત કરવા પણ અપાયા નિર્દેશ
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા ત્યારે હવે દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમે વળતર નક્કી કરતા નથી પરંતુ NDMA 6 સપ્તાહની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશા નિર્દેશ જાહેર કરે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યારસુધીમાં કોરોનાથી 3,98,454 લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 45, 951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંક હવે 3,03,62,848 પર પહોંચી ગયો છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ડેથ સર્ટિફિકેટ ઉપર મોતનું કારણ કોરોના અને મોતનો દિવસ લખવાનો રહેશે. સરકાર છ મહિનામાં તેના પર ગાઈડલાઈન બનાવશે. જે લોકોને ડથ સર્ટિફિકેટ મળી ગયું છે અને તેમને તેના પર આપત્તિ છે તો સરકાર તેના પર ફરીથી વિચારશે. આ માટે સરકાર એવા લોકોને ફરિયાદનો વિકલ્પ આપશે જેથી કરીને ડેથ સર્ટિફિકેટ ફરીથી આપી શકાય.