Site icon Revoi.in

ફ્રેન્કલિન ટેમ્પલટનને રોકાણકારોના રૂ.9,122 કરોડ ચૂકવવાનો સુપ્રીમનો આદેશ

Social Share

નવી દિલ્હી: ફ્રેન્કલિન ટેમ્પલટનની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટનને મ્યુચ્યુઅલ ફંડને રૂ.9122 કરોડ પરત કરવા આદેશ આપ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ રોકાણકારોને 20 દિવસની અંદર આ રૂપિયા આપવા પડશે. ફ્રેન્કલિન ટેમ્પલટનની 6 ડેટ સ્કીમના યુનિટધારકોને આ ભંડોળ પરત મળશે. કંપનીએ એપ્રિલ 2020માં અચાનક મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ્સ બંધ કરી દીધી હતી.

ન્યાયાધીશ એસ. એ. નઝીર અને સંજીવ ખન્નાની બેન્ચે જણાવ્યું હતું કે, એસેટ્સમાં યુનિટધારકોના ઈન્ટ્રેસ્ટના પ્રમાણમાં નાણાંનું વિતરણ થવું જોઈએ. વીડિયો કોન્ફરન્સ મારફત હાથ ધરાયેલી પ્રક્રિયામાં બેન્ચે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) મ્યુચ્યુઅલ ફંડને નાણાંના વિતરણની કામગીરી સોંપી છે. બધા જ કાઉન્સેલે આ સંબંધમાં કોર્ટના આદેશને સંમતી આપી હતી. યુનિટધારકોને નાણાંના વિતરણમાં કોઈ સમસ્યા આવે તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીને કોર્ટનો સંપર્ક કરવાની બેન્ચે મંજૂરી આપી છે.

આપને જણાવી દઇએ કે ફ્રેન્કલિન ટેમ્પલટને બોન્ડ બજારમાં નાણાંની અછતને પગલે એપ્રિલ 2020માં અચાનક જ મ્યુચ્યુઅલ ફંડની છ સ્કીમ્સ બંધ કરી દીધી હતી. કંપનીએ બંધ કરેલી સ્કીમ્સમાં અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ, ઇન્ડિયા લોન ડ્યુરેશન ફંડ, ઇન્ડિયા ડાયનેમિક અક્રુઅલ ફંડ, ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ તેમજ ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાનનો સમાવેશ થાય છે. કંપનીની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટમાં આ ફંડ્સનો હિસ્સો અનુક્રમે 65 ટકા, 53 ટકા, 41 ટકા, 27 ટકા તેમજ 11 ટકા હતો.

ફ્રેન્કલિ ટેમ્પલટનની એયુએમ એક લાખ કરોડ રૂપિયાથી વધુ હતી, પરંતુ તાજેતરના દિવસમાં તેની એયુએમ 80 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. બંધ કરાયેલી 6 સ્કીમની કુલ એયુએમ 28 હજાર કરોડ રૂપિયા હતી. કંપનીએ જ્યારે આ સ્કીમ્સ બંધ કરી ત્યારે અનેક રોકાણકારોએ તેના વિરુદ્વ સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ કોર્ટમાં અરજીઓ કરી હતી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૫મી જાન્યુઆરીએ કહ્યું હતું કે, તે પહેલાં છ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ બંધ કરવા માટે ઈ-વોટિંગ પ્રક્રિયા સામે ઉઠાવાયેલા વાંધા અને યુનિટધારકોને નાણાંના વિતરણ સંબંધિત મુદ્દા પર સુનાવણી કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે સેબીને ઈ-વોટિંગ પ્રક્રિયા માટે ઓબ્ઝર્વરની નિમણૂક માટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં ફ્રેન્કલિન ટેમ્પલટનની અરજી પર સુનાવણી ચાલતી હતી. ફંડ હાઉસે એપ્રિલ ૨૦૨૦માં રોકાણકારોની સંમતિ વિના જ છ ડેટ ફંડ સ્કીમ્સ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને રોકાણકારોએ કોર્ટમાં પડકારતાં કર્ણાટક હાઈકોર્ટે ફંડ હાઉસના નિર્ણય પર સ્ટે મૂકી દીધો હતો.

(સંકેત)