- દેશભરમાં શાળાઓ ખોલવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
- અમે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ ના આપી શકીએ
- બાળકોએ આવી અરજી કર્યા વગર ભણતર પર ધ્યાન આપવું જોઇએ
નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ફરીથી શાળાઓ ખોલવાની માગ ઉઠી છે. દિલ્હીના 12માં ધોરણના વિદ્યાર્થીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેશભરની શાળાઓ ફરીથી ખોલવાની માગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે, તે આ બાબતે કેન્દ્ર અથવા રાજ્ય સરકારને નિર્દેશ આપી શકતી નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, વરિષ્ઠ ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે અરજી ફગાવતા કહ્યું કે, તેઓ તેને પબ્લિસિટી સ્ટંટ નથી કહી રહ્યા, પરંતુ બાળકોએ તેમાં ભાગ ના લેવો જોઇએ. તમારે તમારા ક્લાયન્ટને બંધારણીય પગલાં અપનાવવાને બદલે અભ્યાસ કરવાની સલાહ આપવી જોઇએ. સરકારો જવાબદાર છે અને બાળકો શાળાએ જવાની જરૂરિયાત અંગે જાગૃત છે. અમે તેમને શાળામાં મોકલવા માટે ન્યાયિક હુકમનામું કહી શકતા નથી. તે પણ જ્યારે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ ચાલી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, મને નથી લાગતું કે આ એવા મુદ્દાઓ છે. જ્યાં અદાલતોએ સામાન્ય નિર્દેશો જારી કરવા જોઇએ. શાસનની જટિલતા એક મુદ્દો છે જેમાં કોર્ટ નિર્દેશ જારી કરી શકતી નથી. એડવોકેટ આર.પી.મેહરોત્રે કોર્ટમાં દલીલ કરી હતી, આ અરજી પ્રચાર માટે કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે આ કેસને ફગાવી દીધો અને કહ્યું કે ચાલો આપણે તેને નાગરિકો દ્વારા અપનાવાયેલી લોકશાહી જીવનશૈલી પર છોડી દઇએ.