- દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા કેજરીવાલ સરકારનો નિર્ણય
- એક સપ્તાહ સુધી તમામ સ્કૂલો રહેશે બંધ
- તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ
નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. શહેરનું પ્રદૂષણ એ હદે વધી ગયું છે કે સૂર્યની ચમક પણ ઝાંખી પડી રહી છે. લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. આજે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને પ્રદૂષણને નિયંત્રિત કરવા બાબતે ફટકાર લગાવી હતી ત્યારે હવે કેજરીવાલ સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યપ્રધાન કેજરીવાલની અધ્યક્ષતા હેઠળ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર આગામી એક સપ્તાહ સુધી તમામ સ્કૂલ બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓમાં પણ 100 ટકા વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છ.
1 સપ્તાહ સુધી સરકારી કચેરીઓને દરેક કામ માત્ર વર્ક ફ્રોમ હોમ જ કરાશે. કેજરીવાલ સરકારે આ આદેશ આપ્યા છે. તે ઉપરાંત ખાનગી એકમો માટે પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં શક્ય હોય તે તમામ ખાનગી એકમોમાં પણ વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવા માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે.
મહત્વનું છે કે, દિલ્હીમાં ઠંડી વધવાની સાથે, પરાળ બાળવાને કારણે અને અન્ય કેટલાક કારણોસર પ્રદૂષણ ભયજનક સ્તરે વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગામી 14 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી તમામ નિર્માણ કાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.