સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે સ્પુતનિક-V વેક્સિન, DCGI પાસે માંગી ટ્રાયલ લાઇસન્સની મંજૂરી
- સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે છે રશિયાની સ્પુતનિક-V વેક્સિન
- આ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી
- સીરમે એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે
નવી દિલ્હી: આગામી દિવસોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની વેક્સિન સ્પુતનિક-V બનાવતી જોવા મળે તો નવાઇ નહીં. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક-V બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કોવિડ રસી કોવિશિલ્ડ બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે. હાલમાં ભારતમાં સ્પૂતનિક-V ડૉ. રેડ્ડીઝ લેબ દ્વારા બનાવાય છે.
ભારતમાં સ્પુતનિક-Vની કિંમતની વાત કરવામાં આવે તો તે 948 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. વેક્સિન પર 5 ટકા જીએસટી પણ લાગશે. ગત મહિને DCGIએ સ્પુતનિક-Vના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી.
સ્પુતનિક-વીને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની ઝપેટમાં છે, જે ખુબ ખતરનાક છે. આ બધાની વચ્ચે ભારતમાં વેક્સિનેશનની માંગ ખુબ વધી ગઇ છે.
આ ભારતીય માર્કેટમાં ત્રીજી વેક્સિન હશે. આ પહેલા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી કૉવિશિલ્ડ જ્યારે હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ લિમીટેડ તરફથી વિકસીત કૉવેક્સિન ભારતીય નાગરિકો માટે બજારમાં આવી ચૂકી છે.