- CSIR દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરાયો સર્વે
- ધ્રુમપાન કરતા લોકો અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવિટી જોવા મળે છે
- બ્લડ ગ્રૂપ ‘O’ વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે
નવી દિલ્હી: કોરોના વાયરસને લઇને વધુ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરેલા અખિલ ભારતીય સીરો સર્વે અનુસાર ધ્રુમપાન કરતા લોકો અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવિટી જોવા મળે છે અને એ દર્શાવે છે કે, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે, બ્લડ ગ્રૂપ ‘O’ વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે. જ્યારે ‘B’ અને ‘AB’ ગ્રૂપ વાળા લોકોને વધારે જોખમ ઉભુ થાય છે.
આ સર્વેમાં લેબમાં કામ કરતા 10,427 વયસ્ક વ્યક્તિઓ તેમજ તેમના પરિવારજનોના સ્વૈચ્છિક આધારે નમૂના લેવામાં આવ્યા હતા. IGIB દિલ્હી દ્વારા સંચાલિત અભ્યાસમાં કહેવાયું છે કે, 10,427 વ્યક્તિઓમાંથી 1,058માં એસએઆરએસ-સીઓવી-2 પ્રત્યે એન્ટિબોડી હતી.
સંશોધનમાં એવું પણ તારણ છે કે, ધ્રૂમપાન કરતા લોકોમાં સીરો પોઝિટિવ હોવાની સંભાવના ઓછી છે. સામાન્ય વસતીમાં આ પ્રથમ રિપોર્ટ છે અને તેનો પુરાવો છે કે કોવિડ શ્વસન સંબંધિત બિમારી હોવા છતાં તે ધ્રૂમપાનથી બચાવકારી હોય શકે છે. આ સંશોધનમાં ફ્રાન્સના બે અભ્યાસ, ઇટલી, ન્યૂયોર્ક તેમજ ચીનમાંથી આ પ્રકારના રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે.
(સંકેત)