- દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નારાજ
- તેઓએ પીએમ મોદીને પત્ર લખીને ભાવ ઘટાડવા માટે કરી અપીલ
- પેટ્રોલ-ડીઝલની સતત વધતી કિંમત ઐતિહાસિક-અવ્યાવહારિક: સોનિયા ગાંધી
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ વચ્ચે હવે સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ પર પીએમ મોદીને પત્ર લખીને ભાવ ઘટાડવા માટે કહ્યું છે અને સરકાર પર લાપરવાહ તેમજ સંવેદનહીન હોવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી રાજધર્મનું પાલન કરતા પેટ્રોલ-ગેસના ભાવમાં વધારાને પાછા લેવાની અપીલ કરી છે. પત્રમાં ગાંધીએ સરકાર પર લોકોના દુ:ખ પર નફાખોરી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે વધતી કિંમતો ઐતિહાસિક અને અવ્યાવહારિક છે. પેટ્રોલ-ગેસના ભાવવધારાથી તમામ નાગરિકોમાં રોષ છે. એક તરફ ભારતમાં રોજગારી ઓછી થઇ રહી છે. કર્મચારીઓના વેતનમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ ઘરેલુ આવક પણ સતત ઘટી રહી છે.
બીજી તરફ ઝડપથી વધતી મોંઘવારી તેમજ લગભગ ચોખા-દાળ સહિત ઘરેલુ જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવોમાં અપ્રત્યાશિત ઉછાળે આ પડકારોને વધારે ગંભીર બનાવી દીધા છે. સોનિયાએ પીએમને આગ્રહ કરતા કહ્યું કે તમે રાજધર્મ નિભાવતા પેટ્રોલ-ડીઝલ પર ઉત્પાદન કર આંશિક રૂપથી ઘટાડીને તેની કિંમતોને ઓછી કરો જેથી તેનો લાભ આપણા મધ્યમ તેમજ વેતનભોગી વર્ગ તેમજ ખેડૂતોને મળી શકે.
સોનિયાએ વધુમાં ઉમેર્યું કે, દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. ડીઝલના સતત વધતા ભાવ કરોડો ખેડૂતોની સમસ્યા વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટા ભાગના લોકો એ વાતથી હેરાન છે કે ભાવવધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં મધ્યમ સ્તર પર હોવા છતાં કરવામાં આવી રહ્યો છે.
(સંકેત)