Site icon Revoi.in

ભારતમાં આ મહિનામાં આવશે Sputnik Light, જાણો કેટલી હશે કિંમત

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની ભારતની લડાઇમાં ભારતને બીજુ હથિયાર મળવા જઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત સપ્ટેમ્બર સુધીમાં રશિયન વેક્સિન Sputnik Light મેળવી શકે છે. આ સિંગલ ડોઝ વેક્સિનની કિંમત 750 રૂપિયા હશે. કંપનીએ તેના ઇમરજન્સી ઉપયોગ માટે પણ અરજી કરી છે. ભારતમાં હાલમાં રશિયન વેક્સિન Sputnik Vનો ઉપયોગ થઇ રહ્યો છે.

Sputnik Light ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે પેનેશિયા બાયોટેકે એક ડોઝિયર રજૂ કર્યું છે. રશિયાની ગામાલેયા ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક લાઇટ તૈયાર કરી છે. જુલાઇમાં પેનેશિયા બાયોટેકે Sputnik V વેક્સિનના નિર્માણ માટે લાયસન્સ લેવાની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે મે મહિનામાં રશિયાએ Sputnik Light ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. રશિયન વૈજ્ઞાનિકોએ આ રસીને કોરોના વાયરસ સામે 80 % સુધી અસરકારક ગણી છે.

ભારત સરકારે અગાઉ અમેરિકન કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને ઇમરજન્સી યૂઝને મંજૂરી આપી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્હોન્સન એન્ડ જ્હોન્સનની આ વેક્સિન ટૂંક સમયમાં ભારતીય બજારમાં મળવાનું શરૂ થશે.

દેશમાં કોરોના વાયરસના 40,120 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે. જ્યારે 585 સંક્રમિતોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, કોવિડ -19 ના કુલ કેસો 3,21,17,826 પર પહોંચી ગયા છે.