Site icon Revoi.in

ભારતના માર્કેટમાં આગામી સપ્તાહે ઉપલબ્ધ થશે રશિયાની સ્પૂતનિક વેક્સીન

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના સામેની જંગમાં અત્યારે કોવેક્સીન અને કોવિશિલ્ડ એમ બે હથિયાર છે ત્યારે હવે ભારતને ટૂંક સમયમાં ત્રીજા હથિયાર તરીકે રશિયાની વેક્સીન સ્પુતનિક મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયન બનાવટની સ્પૂતનિક વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જણાવ્યું હતું કે, સ્પૂતનિક વેક્સીન ભારત પહોંચી ચૂકી છે. મને તે જણાવતા ખુશી થઇ રહી છે અને આશા છે કે આગામી સપ્તાહે તે માર્કેટમાં ઉપલબ્ધ બનશે.

હાલમાં તો રશિયાથી મર્યાદિત પુરવઠો આવ્યો છે અને આગામી સપ્તાહે તે વેચાણ માટે ઉપલબ્ધ બનશે તેવો ડૉ. વી. કે. પોલે આશાવાદ વ્યક્ત કર્યો છે. ભારતમાં જુલાઇ મહિનાથી સ્પૂતનિક વેક્સીનનું ઉત્પાદન પણ શરૂ થવાનું છે.

દેશમાં વેક્સિનેશન ડ્રાઇવને વેગવાન બનાવવામાં આવી છે. અત્યારસુધીમાં દેશમાં 18 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. અમેરિકામાં સૌથી વધુ 26 કરોડ ડોઝ અપાયા છે. ભારત કોરોના રસીના મામલે ત્રીજા સ્થાને છે. ભારતમાં સ્પૂતનિક વેક્સિનના 15.6 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે ખુશી વ્યક્ત કરી હતી કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા ક્વચ આપી દેવામાં આવ્યું છે.

બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં 187 જીલ્લામાં કોરોનાના કેસોમાં છેલ્લા બે સપ્તાહથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો છે.

(સંકેત)