ડ્રોનના ઉપયોગને લઇને શ્રીનગર પ્રશાસને આદેશ બહાર પાડ્યો, જાણો શું છે દિશા-નિર્દેશ
- જમ્મૂ એરબેઝ પર ડ્રોન એટેકે બાદ શ્રીનાગર પ્રશાસન વધુ સતર્ક થયું
- હવે ડ્રોનના ઉપયોગને લઇને ત્યાં દિશા નિર્દેશો જાહેર કરાયા
- ડ્રોનના ઉપયોગ નિયંત્રિત કરવા માટે માનક સંચાલન દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે
નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોનથી આતંકી હુમલા બાદ શ્રીનગર પ્રશાસન ડ્રોનના ઉપયોગને લઇને આકરું બન્યું છે. શ્રીનગરના જીલ્લા અધિકારી મોહમ્મદ એજાઝે રવિવારે આ મામલે આદેશ બહાર પાડ્યો હતો. તેમાં ડ્રોનના ઉપયોગ નિયંત્રિત કરવા માટે માનક સંચાલન દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. જે લોકો પાસે પહેલાથી જ ડ્રોન કેમેરા કે માનવ રહિત અન્ય કોઇપણ પ્રકારના હવાઇ વાહનો છે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની જાણકારી આપવી પડશે.
કઠુઆ જીલ્લામાં અગાઉ લગ્ન સમારંભ અને અન્ય કોઇપણ કાર્યક્રમ દરમિયાન ડ્રોનના ઉપયોગ માટે તેની નોંધણી ફરજીયાત કરી દેવાઇ હતી. જીલ્લા મેજિસ્ટ્રેટે કલમ 144 લાગૂ કરીને ડ્રોન કે અન્ય ઉડી શકે તેવા રમકડાંઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને કઠુઆના જિલ્લા મેજિસ્ટ્રેટે ડ્રોનના ઉપયોગને નિયંત્રિત ગતિવિધિઓમાં સામેલ કર્યો છે. આદેશ પ્રમાણે કઠુઆ જિલ્લામાં હવે ડ્રોન ઓપરેશન માટે એસીઆર અથવા એસડીએમની મંજૂરી લેવી પડશે. તેઓ એક વિશિષ્ટ ઓળખ નંબર આપશે અને તેનો સમગ્ર રેકોર્ડ પણ રાખશે.
હવેથી ડ્રોન ઓપરેટર્સે તેના ઉપયોગ સમયે નજર રાખવી પડશે અને તે નજરથી દૂર ન જાય તે સુનિશ્ચિત કરવું પડશે. સાથે જ કોઈ ડ્રોન 400 મીટરથી વધુ ઉંચે ઉડાડવાની મંજૂરી નહીં મળે.