Site icon Revoi.in

હિમવર્ષા બાદ ચાર દિવસ પછી ખુલ્યું શ્રીનગર એરપોર્ટ, આજે પહેલી ફ્લાઇટ કરી શકે ઉડ્ડયન

Social Share

શ્રીનગર: છેલ્લા 4 કે 5 દિવસથી સતત હિમવર્ષા થતાં જમ્મૂ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટને બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે ચાર દિવસ બંધ રહ્યા બાદ આજે સવારે એરપોર્ટ ખુલ્યું હતું.

હિમવર્ષાને કારણે બરફ જામ થઇ ગયો હતો. બરફ હટાવાયા બાદ પહેલી ફ્લાઇટ રવાના થાય તેવી શક્યતા હોવાની જાણકારી મળી હતી. કાશ્મીર ખીણ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી સતત ભારે હિમવર્ષા થઇ રહી હતી. એને કારણે એરપોર્ટ બંધ કરીને તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

બુધવારે રાત્રે રનવે પરના બરફને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટા ભાગનો બરફ હટાવાઇ લેતાં આજે સવારે પહેલી ફ્લાઇટ રવાના થાય એવી શક્યતા ઊજળી બની હતી.

બુધવારે બપોરે પહેલીવાર હિમવર્ષા અટકી હતી એટલે ઠેર ઠેર જામી ગયેલા બરફને હટાવવાના કામની શરૂઆત કરી શકાઇ હતી. આ વરસે પહેલીવાર આટલો બધો બરફ પડ્યો હતો એવું ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કહેતા હતા.

જો કે જમ્મૂ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હજુ પણ ટ્રાફિક માટે ખુલ્યો નથી. હાઇવે પર સરેરાશ બે ફૂટથી માંડીને કેટલાક સ્થળે ચાર ફૂટ જેટલો બરફ જામેલો હતો. જવાહર ટનલ પાસે બરફ જામેલો પડ્યો હોવાથી ટ્રાફિક શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ રહી નહોતી.

તે ઉપરાંત હાઇવે પર અનેક ઠેકાણે ભેખડો ઘસી પડી હતી. અનંતનાગ જીલ્લામાં પણ ભારે હિમવર્ષા થઇ હતી. વિવિધ જીલ્લાને જોડતા માર્ગો તેમજ જીલ્લા મુખ્યાલયો તરફના માર્ગો પણ હિમવર્ષાને કારણે બંધ હતા.

(સંકેત)