નવી દિલ્હી: પીએમ મોદીની પંજાબના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. હવે આ મામલે પંજાબ સરકાર એક્શનમાં આવતા શનિવારે ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનદીપ સિંહ હંસ સહિત સાત આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, IPS અધિકારી નરિન્દર ભાર્ગવ SSP તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. જ્યારે આઇપીએસ અધિકારી હંસને લુધિયાણાના ત્રીજા આઇઆરબીના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીની સુરક્ષામાં કથિત ચૂક દરમિયાન હંસ ફિરોઝપરના SSP હતા.
હુસૈનીવાલા જઇ રહેલા પીએમ મોદીનો કાફલો આંદોલનકારીઓ દ્વારા રસ્તો રોકાતા ફ્લાયઓવર પર અટવાઇ ગયો હતો અને મોદીને કોઇપણ કાર્યક્રમ કે રેલીમાં હાજરી આપ્યા વિના દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
ફિરોઝપુરમાં મોદીની સુરક્ષામાં ‘ગંભીર ખામી’ની તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની પેનલ સમક્ષ શુક્રવારે હંસ સહિત અનેક વરિષ્ઠ પોલીસ અને સિવિલ અધિકારીઓ હાજર થયા હતા.
ફિરોઝપુરમાં રસ્તો બ્લોક કરનાર સંગઠન ‘ભારતીય કિસાન સંઘ (ક્રાંતિકારી)’ના વડા સુરજીત સિંહ ફૂલે (Surjit Singh Phool) કહ્યું હતું કે, ફિરોઝપુરના SSPએ તેમને સૂચના આપી હતી કે નરેન્દ્ર મોદી રોડ માર્ગે પરથી આવી રહ્યા છે. ફૂલેએ કહ્યું હતું ‘પરંતુ, અમે વિચાર્યું કે રસ્તો ક્લિયર કરવાની (અધિકારી દ્વારા) કોઈ યુક્તિ છે. આ દરમિયાન જે અન્ય પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં નૌનિહાલ સિંહનો સમાવેશ થાય છે. તેમને જલંધરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ એ.કે. મિત્તલ (AK Mittal)ને રૂપનગરના પોલીસ મહાનિરીક્ષક તરીકે અને સુખચૈન સિંઘ (Sukhchain Singh)ને અમૃતસરના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાનક સિંહ અને અલકા મીનાને અનુક્રમે ગુરદાસપુર અને બરનાલાના SSP બનાવવામાં આવ્યા છે.