દિલ્હીનાં તોફાનોની જવાબદારી આંદોલનકારી નેતાઓએ સ્વીકારવી પડશે, આ નેતાઓ દેશની જનતાની માફી માગે – અગ્રણીઓનું નિવેદન
- દેશમાં 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં ફેલાયેલી હિંસા-અરાજકતાનો મામલો
- આ ઘટનાને દેશના અગ્રણીઓએ પ્રજાસત્તાક પર્વની ગરીમાને બટ્ટો લગાડનારી ગણાવી
- તાંડવ-તોફાનોમાં મોઢું છુપાવી બેસી ગયેલા આંદોલનકારી નેતાઓને દેશ કદી માફ નહીં કરે
નવી દિલ્હી: દેશમાં 26 જાન્યુઆરીએ એટલે કે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસનાં પરમ પવિત્ર દિવસે દેશની રાજધાની દિલ્હીમાં અરાજકતા અને હિંસાના જે દૃશ્યો જોવા મળ્યા એ ઘટનાને સમગ્ર દેશે વખોડી હતી અને લાંછન સમાન ગણાવી હતી.
દિલ્હીમાં અરાજકતા અને હિંસા ફેલાવવાના હિન કૃત્યને દેશના વિવિધ રાજ્યોનાં બુદ્વિજીવી અગ્રણીઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી અને આ ઘટનાને પ્રજાસત્તાક પર્વની ગરીમાને બટ્ટો લગાડનારી ગણાવી છે.
આ હિંસક ઘટનાને લઇને પૂર્વ કુલપતિ પ્રોફેસર કમલેશ જોશીપુરા, બુદ્વિ વી પ્રિ. રીઝવાન કાદરી, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.પી.લુથરા સહિત દેશનાં 11 જેટલા અગ્રણી વ્યક્તિઓએ નિવેદન આપ્યું હતું.
મહિલા સુરક્ષા કર્મી, મીડિયા, પોલીસ અને અન્ય સુરક્ષાકર્મીઓ ઉપર થયેલા હુમલાની ઘટનાઓને અંતિ ગંભીર ગણાવેલ છે.
આંદોલનકારી નેતાઓએ દિલ્હી પોલીસ સાથેની શ્રેણીબદ્વ બેઠકમાં કિસાન માર્ચ શાંત રહેશે અને પ્રજાસતાક પર્વની શાન બની રહેશે તેવી વાતો કરેલી હતી તેમજ ખાતરી આપી હતી. જો કે તાંડવ-તોફાનોમાં મોઢું છુપાવી બેસી ગયેલા આ નેતાઓને દેશ કદી માફ નહીં કરે.
લોકતંત્રમાં અભિપ્રાયભેદ દર્શાવવો, શાંત વિરોધ, વાણી અને અભિવ્યક્તિનો અધિકાર કે સત્યાગ્રહમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. સંસદ દ્વારા ઘડાયેલા કાયદાનું બંધારણીય અર્થઘટન કરવા સર્વોચ્ચ અદાલત સક્ષમ છે અને ન્યાય: પુર: સર: રીતે ત્રણેય કાયદાઓને સ્થગિત કરી તેનું વ્યાજબીપણું તપાસી રહેલ છે ત્યારે તેને સન્માન આપવાને બદલે હિંસાનાં માર્ગે જવા જેવી બાબત કદાપી સ્વીકાર્ય નથી.
પોતે નિર્દોષ હોવાનો આંદોલનકારી નેતાઓનો દાવો દેશની જનતાને ગળે ઉતરતો નથી આમ છતાં ઘડીભર માટે પણ આપણે માની લઇએ તો એનો અર્થ આંદોલનકારી નેતાઓનો આંદોલન ઉપર કોઇ જ અંકુશ નથી તે સ્પષ્ટ થાય છે. આવી સ્થિતિમાં આ નેતાઓએ આંદોલનને સંપૂર્ણપણે પાછું ખેચી લેવું જોઇએ.
(સંકેત)