Site icon Revoi.in

હવે એક્સપાયર થતા ખાદ્ય પદાર્થો ઑનલાઇન નહીં વેચી શકાય, FSSAIએ કંપનીઓ પર કસી લગામ

Social Share

નવી દિલ્હી: ઓનલાઇન ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કંપનીઓની હવે ખેર નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ પર લગામ કસી છે. આવી કંપનીઓ હવેથી જે ખાદ્ય પદાર્થો 3 મહિનાની અંદર એક્સપાયર થતા હોય તેમનું ઓનલાઇન વેચાણ નહીં કરી શકે. FSSAI અનુસાર તેણે તમામ ઇ-કોમર્સ કંપનીઓ પર આ પ્રકારના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા મામલે પ્રતિબંધ મૂકી દીધો છે.

ખાદ્ય સુરક્ષા તેમજ માનક અધિનિયમ 2006ના અમલ મામલે લોક લેખા સમિતિને FSSAIએ જણાવ્યું હતું કે, ઇ-કોમર્સ પ્લેટફોર્મ પોતે જ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન નથી કરતા. વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરતી ઇ-કોમર્સ કંપનીઓ ઘણી વખત ખાદ્ય પદાર્થોને એક્સપાયર થવાની એક જ દિવસની વાર હોય તેમ છતાં તેનું વેચાણ કરી દે છે.

આ સંજોગોમાં ગ્રાહકોને માત્ર એક દિવસમાં તે વસ્તુ વાપરવાની ફરજ પડે છે જે અયોગ્ય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને 3 મહિનાની સમય મર્યાદામાં એક્સપાયર થતી ખાદ્ય વસ્તુઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(સંકેત)