Site icon Revoi.in

ચિપકો આંદોલનના પ્રણેતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

Social Share

નવી દિલ્હી: ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું ઋષિકેશ ખાતે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ ઉપરાંત અનેક અન્ય બીમારીઓથી પીડિત હોવાથી તેઓને ઋષિકેશ સ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરીને લખ્યું હતું કે, સુંદરલાલ બહુગુણાનું નિધન એ આપણા દેશ માટે એક મોટી ક્ષતિ છે. તેઓએ પ્રકૃતિની સાથે સદ્ભાવમાં અને સમન્વયમાં રહેવાના આપણા સદીઓ જૂના લોકાચારને પ્રકટ કર્યા હતા. તેમની સાદગી અને કરુણાની ભાવનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. મારા વિચાર તેમના પરિવાર અને અનેક પ્રશંસકોની સાથે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યા ટ્વિટ કરી હતી કે, પહાડોમાં જળ, જંગલ તેમજ જમીનના મુદ્દાઓને પોતાની પ્રાથમિક્તા રાખનારા તેમજ જનતાને પોતાનો હક અપાવવામાં બહુગુણાજીના પ્રયાસોને હરહંમેશ યાદ રાખવામાં આવશે.

મુખ્યમંત્રી તીરથ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ચિપકો આંદોલનના પ્રણેતા, વૃક્ષમિત્રના નામથી પ્રસિદ્વ મહાન પર્યાવરણવિદ પદ્મ વિભૂષણથી સન્માનિત સુંદરલાલ બહુગુણાજીના નિધનના અત્યંત પીડાદાયક સમાચાર મળ્યા છે. આ સમાચાર સાંભળીને મન ખૂબ વ્યથિત છે. તેઓ માત્ર ઉત્તરાખંડ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે અપૂરણીય ક્ષતિ છે.

પદ્મવિભૂષણથી સન્માનિત

પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં આપવામાં આવેલા મહત્ત્વપૂર્ણ યોગદાન માટે તેમને વર્ષ 1986માં જમનાલાલ બજાજ પુરસ્કાર અને 2009માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.