ગરીબ બાળકોના શૈક્ષણિક અધિકાર માટે સુપ્રીમે કેન્દ્ર અને દિલ્હી સરકારે આપ્યો આ આદેશ
- ઑનલાઇન શિક્ષણથી ગરીબ બાળકો રહે છે વંચિત
- આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો
- રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે કે બાળકોને સુવિધા અપાય
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી દરમિયાન શાળાઓ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું અને મોટા ભાગની સ્કૂલોમાં ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું ત્યારે ઑનલાઇન ક્લાસ માટે ગરીબો પાસે લેપટોપ અને મોબાઇલ ફોન અથવા ભણવા માટે કોઇ સાધન ના હોવાથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે કે બાળકોને સુવિધા અપાય. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગો ખર્ચ કરવા સક્ષમ ના હોવાથી તેઓ કમ્પ્યુટરનો ખર્ચ ઉઠાવી શકતા નથી જેને કારણે તેઓ ઑનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.
જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ દ્વારા કેન્દ્ર અને દિલ્હી સરકારને પૂછવામાં આવ્યું છે કે તેઓ ગરીબ બાળકોને ઓનલાઈન ક્લાસ માટે કઈ રીતે સુવિધાઓ પ્રાપ્ત થશે અને પૈસા ક્યાંથી આવશે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે દિલ્હીની પરિસ્થિતિ તો પણ સારી છે પરંતુ ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કઈ રીતે સુવિધા આપવામાં આવશે? મોટી સંખ્યામાં બાળકો શાળાને છોડી રહ્યા છે જે ખૂબ જ ગંભીર છે.
મહત્વનું છે કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારને આદેશ આપ્યા હતા કે ખાનગી સ્કૂલમાં 25 ટકા વિદ્યાર્થીઓ માટે લેપટોપ અને ટેબ્લેટનો ખર્ચો સરકાર જ આપે. જે બાદ સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમે કહ્યું કે હાઇકોર્ટે વિચારપૂર્વક નિર્ણય લીધો છે. જો ગરીબ બાળકોને સરકાર સહાયરૂપ નહીં થાય તો શિક્ષણનાં મૂળભૂત અધિકારીનો કોઇ અર્થ નહીં રહે. દિલ્હી સરકારને નિર્દેશ અપાય કે તે આ મુદ્દા પર એક પ્લાન કરીને તૈયાર આપે.