Site icon Revoi.in

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર, જાણો શું કહ્યું

Social Share

નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની મેસેજિંગ એપ WhatsApp તેની નવી પ્રાઇવસી પોલિસી બાદ સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ અને આક્રોશ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફેસબૂક તેમજ વોટ્સએપને એક નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશએ ફેસબૂક અને વોટસ્એપને નવી પ્રાઇવસી પોલિસી અંગે નોટિસ ફટકારતા કહ્યું હતું કે યૂઝરની પ્રાઇવસીને સુરક્ષિત રાખવી ખૂબ જરૂરી છે. સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં ફેસબૂક અને વોટ્સએપે એ વાત સ્પષ્ટ કરવી પડશે કે યૂઝર્સનો ક્યાં પ્રકારનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે અને ક્યા પ્રકારનો ડેટા શેર કરાતો નથી.

પ્રાઇવસી મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ટિપ્પણી કરતા વોટ્સએપ અને ફેસબૂક મેનેજમેન્ટને કહ્યું હતું કે, તમે ભલે 2-3 ટ્રિલિયન ડોલરની કંપની હોવ, પરંતુ લોકોની પ્રાઇવસી તેનાથી પણ વધુ કિંમતી છે. તેમની સુરક્ષા એ અમારી જવાબદારી છે. જેના પર વોટ્સએપે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે યૂરોપમાં આ પ્રાઇવસી પર સ્પેશિયલ કાયદો છે, જો ભારતમાં પણ આ રીતે કાયદો હશે તો અમે તેનું પાલન કરીશું. આ મામલે આગામી સુનાવણી 4 સપ્તાહ બાદ થશે.

મહત્વનું છે કે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીની જાહેરાત 5 જાન્યુઆરીના રોજ થઇ હતી. આ પ્રાઇવસી પોલિસીની જાહેરાત બાદથી વોટ્સએપ યૂઝર્સ નારાજ છે. વોટ્સએપની આ પ્રાઇવસી પોલિસીની જાહેરાત બાદ અનેર યૂઝર્સે રાતોરાત સિગ્નલ અને ટેલિગ્રામ એપ્સ ડાઉનલોડ કરીને ત્યાં શિફ્ટ થયા હતા. વોટ્સએપ વિરુદ્વ કોર્ટમાં અરજી પણ દાખલ થઇ છે.

(સંકેત)