Site icon Revoi.in

બકરી ઇદ પર નિયમોમાં છૂટછાટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને લગાવી ફટકાર

Social Share

નવી દિલ્હી: આવતીકાલે બકરી ઇદ છે ત્યારે બકરી ઇદ દરમિયાન કોરોનાને લગતા પ્રતિબંધોમાં કેરળ સરકારે છૂટછાટ આપતા સુપ્રીમ કોર્ટે હવે કેરળ સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પિનરઇ વિજયન સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત ના કરી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ચિંતાજનક સ્થિતિ હોવા છતાં પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટ એ ડરામણું છે. જો કે આ તમામ ટિપ્પણીઓ કરવા છતાં કોર્ટે બાદમાં એમ પણ કહ્યું કે, હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં કારણ કે ઘોડો તબેલામાંથી છૂટી ચૂક્યો છે.

નોંધનીય છે કે કેરળમાં બકરી ઈદના અવસરે કોરોના ગાઈડલાઈન્સમાં છૂટછાટ આપવામાં આવી. આ છૂટ 18થી 20 જુલાઈ વચ્ચે આપવામાં આવી જેમાં બજાર સંલગ્ન નિયમોમાં ઢીલ પણ સામેલ છે. એક બાજુ જ્યાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં કાવડ યાત્રા રદ કરવામાં આવી ત્યાં કેરળ સરકારના આ નિર્ણય બાદ સવાલ ઉઠવા લાગ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો.

સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો. મંગળવારે કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સમાજના કેટલાક સમુદાયોના દબાણમાં નાગરિકના સૌથી કિમતી જીવનના અધિકારને દાવ પર લગાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે કેરળ સરકારે ઉત્તર પ્રદેશ સરકારને અપાયેલા અમારા નિર્દેશોનું પાલન કરવું જોઈએ.

નોંધનીય છે કે, ઈદના અવસરે પ્રતિબંધોમાં અપાયેલી છૂટનો વિરોધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી પણ કરાયો હતો. એસોસિએશને રાજ્ય સરકારને કોરોનાનો ખતરો ગણાવતા ચેતવી હતી.