- ચૂંટણી બોન્ડ્સને લઇને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો
- ચૂંટણી બોન્ડ્સ પર રોક લગાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
- વર્ષ 2018થી ચાલી રહી છે આ યોજના
નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ્સને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 1લી એપ્રિલથી ઇશ્યૂ થનારા ચૂંટણી બોન્ડ્સ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજના વર્ષ 2018થી લાગુ થઇ છે અને હાલ ચાલી રહી છે. તે ઉપરાંત તેની સુરક્ષા માટે પણ તમામ ઉપાયો કરાયા છે. તેની સાથે જ કોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર રોક લગાવવાના અનુરોધ કરવાની અરજીને ફગાવી છે.
મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ (Election Commission of India)એ કહ્યું કે, તેઓ ચૂંટણી બોન્ડ યોજનાનું સમર્થન કરે છે કારણ કે જો આવું નહીં થાય તો રાજકીય પાર્ટીઓને ફંડ કેશમાં મળશે. જોકે ચૂંટણી પંચે કહ્યું કે તેઓ આ પ્રક્રિયામાં પારદર્શિતા ઈચ્છે છે.
ચૂંટણી અને રાજકીય સુધારાઓના ક્ષેત્રમાં કામ કરનારી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 1 એપ્રિલ અને 10 એપ્રિલની વચ્ચે નિર્ધારિત કરવામાં આવેલા ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર વચગાળાની રોક લગાવવાની માંગ કરતાં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં ADR તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ચૂંટણી બોન્ડ્સ સત્તાધારી પાર્ટીને ફંડના નામે લાંચ આપીને કામ કરાવવાનો માર્ગ બની ગયો છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે હંમેશા આ લાંચ માત્ર સત્તાધારી પાર્ટીને જ નથી મળતી પરંતુ તેમને પણ મળે છે જેમની સરકાર ભવિષ્યમાં આવવાની શક્યતા વધારે રહે છે.
(સંકેત)