- દિલ્હીના રસ્તા પર ખેડૂતોના પ્રદર્શન મુદ્દે સુપ્રીમમાં થઇ સુનાવણી
- ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે
- જો કે અનિશ્વિતકાળ સુધી રસ્તાઓ ના અવરોધી શકે
નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દિલ્હીના રસ્તાઓ પર ધરણાં અને પ્રદર્શન કરી રહ્યાં છે. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રસ્તાઓને અવરોધીને વિરોધ પ્રદર્શનો ના કરી શકાય. ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અનિશ્વિત કાળ માટે રસ્તાઓને ચક્કાજામ ના કરી શકાય.
સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ખેડૂત સંગઠનો રસ્તાઓ પર વિરોધ કરનારા ખેડૂતોને હટાવવાની માગ કરતી અરજી મુદ્દે 4 સપ્તાહમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ કરાયો છે. ઘણા લાંબા સમયથી દિલ્હીની સરહદો પાસે રસ્તાઓ પર ખેડૂતોએ ડેરો જમાવેલો છે. તેના કારણે રોડ પરિવહનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. હવે આગામી સુનાવણી 7 ડિસેમ્બરના રોજ થશે.
નોંધનીય છે કે હરિયાણા સરકારે સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત 43 ખેડૂત સંગઠનોને પક્ષકાર બનાવવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઇવે અને રસ્તોને જામ ના કરવા જોઇએ. કાયદો પહેલાથી જ નક્કી છે.