Site icon Revoi.in

ગૂગલ-ફેસબૂક ન્યૂઝ મીડિયાને રેવેન્યૂનો હિસ્સો આપે તેવો કાયદો બનાવવા BJP સાંસદ સુશીલ કુમારની માંગ

Social Share

નવી દિલ્હી: બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડની જેમ જ કાયદો બનાવાની અપીલ કરી છે. જેથી ગૂગલ, ફેસબૂક અને યૂટ્યૂબ જેવી મોટી ટેક કંપનીઓને પોતાની જાહેરાતની આવક ભારતની ન્યૂઝ મીડિયા કંપનીઓની સાથે શેર કરવા માટે બાધ્ય થવું પડે. સુશીલ મોદીએ કહ્યું કે, પારંપરિક મીડિયા કંપનીઓ જો કે હાલમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. હાલના સમયમાં મીડિયા કંપનીઓને યૂટ્યૂબ, ફેસબૂક અને ગૂગલ જેવી કંપનીઓના કારણે તેમને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે વાત કરતા સુશીલ મોદીએ પોતાના વક્તવ્યમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે, પારંપરિક મીડિયા કંપનીઓના ખર્ચ ઘણા વધારે છે. તે ઉપરાંત તેમને એન્કર્સ, પત્રકાર તેમજ રિપોર્ટરોની પણ ભરતી કરવાની હોય છે અને ન્યૂઝ ઇન્ડસ્ટ્રીઝ માટે જાહેરાત જ આવકનો એક માત્ર સ્ત્રોત બની રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલ, યૂટ્યૂબ અને ફેસબૂકના ઉદયથી જાહેરાતનો એક મોટો હિસ્સો આ ટેક્નોલોજી કંપનીઓમાં હિસ્સો જઇ રહ્યો છે.

તેઓએ સૂચન કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારને ઓસ્ટ્રેલિયાને અનુસરવું જોઇએ. કંગારુ દેશે ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડ કાયદો બનાવીને આપણને માર્ગ ચિંધ્યો છે. ગત સપ્તાહ ઓસ્ટ્રેલિયાની સાંસદે આ કાયદાને મંજૂરી આપી દીધી, જેના કારણે ગૂગલને જાહેરાતની આવક ન્યૂઝ મીડિયા કંપનીઓની સાથે શેર કરવી પડશે.

સુશીલ કુમાર મોદીએ વધુમાં કહ્યું કે, હું ભારત સરકારને રજૂઆત કરું છું કે જે રીતે તેમણે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મને રેગ્યૂલેટ કરવા માટે ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ 2021 લાગુ કર્યો છે, તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના કોડ કાયદાની જેમ નવો કાયદો લાગુ કરે.

(સંકેત)