અહીંયા રસી લેનારને મળે છે સોનાના સિક્કા, સ્કૂટી જેવી ભેટ, રસી લેવા લોકોએ કરી પડાપડી
- તામિલનાડુમાં વધુને વધુ લોકો રસી લે એ માટે NGOની વિશેષ પહેલ
- તામિલનાડુના કોવાલમમાં રસી લેનાર લોકોને અપાઇ રહી છે ગિફ્ટ
- આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રો પણ રાખવામાં આવે છે
નવી દિલ્હી: તામિલનાડુમાં ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાન દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી થતી જોવા મળી હતી. હવે ત્યાં વેક્સિનેશન અભિયાનને વેગવાન બનાવવા માટે ત્યાં ફ્રી ગિફ્ટની વહેંચણી કરવામાં આવી રહી છે.
તામિલનાડુના કોવલમમાં એક NGO લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ગિફ્ટની ઑફર્સ આપી રહી છે. રસી મૂકવવા બદલ NGO તરફથી એક પ્લેટ બિરયાની અને મોબાઇલ રિચાર્જની કૂપન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રોમાં બંપર ઇનામ પણ રખાયા છે. લકી ડ્રોના વિજેતાને ઇનામમાં સોનાના સિક્કા, મિક્સર, ગ્રાઇન્ડર, સ્કૂટી, વોશિંગ મશીન મળે છે.
તામિલનાડુના કોવલમમાં કુલ 14,300ની વસતી છે અને અહીંયા માછીમારી કરતાં લોકો બહુમતિમાં છે. અહીંયા 18 વર્ષથી ઉપરના 6400 લોકો વસવાટ કરે છે.
અહીંયા એવું છે કે પહેલા કોરોના સંક્રમણ બાદ આ વિસ્તારમાં વેક્સિનેશન ખૂબ જ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું હતું. પ્રારંભમાં અહીંના કેન્દ્રો પર માત્ર 50-60 લોકો જ રસી લેવા પહોંચતા હતા. પરંતુ NGO દ્વારા શરૂ કરાયેલા ગિફ્ટની પહેલને કારણે અહીંયા ભીડ શરૂ થઇ ગઇ છે. માત્ર એક સપ્તાહમાં જ 650થી વધુ લોકો ડોઝ લઇ ચૂક્યા છે. આ સાથે જ 700થી વધુ લોકોનું એડવાન્સ બૂકિંગ પણ થઇ ચૂક્યું છે.
કોવોલમને કોરોના મુક્ત બનાવવાની આ પહેલ એટીએસ ફાઉન્ડેશન, સીએન રામદાસ ટ્રસ્ટ અને ન્યૂયોર્કની સંસ્થા ચિરાગની છે. સંસ્થાની આ પહેલથી જ લોકોમાં રસીને લઇને રહેલી અસમંજસની સ્થિતિ હવે દૂર થઇ છે અને વધુ લોકો રસી લઇ રહ્યાં છે.