- જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઇને ચોંકાવનારો રિપોર્ટ
- કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે યૂપી-બિહારના શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાની તૈયારીમાં ISI
- જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પણ વધી રહ્યું છે જે ચિંતાજનક છે
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી શાંતિને ડહોળવા માટે આતંકીઓ સક્રિય થઇ રહ્યા છે અને ખાસ કરીને કાશ્મીરમાં વસવાટ કરતા લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. હવે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરાયો છે કે, પાકિસ્તાનની ખાનગી એજન્સી ISIએ કાશ્મીરમાં પોલિટિકલ કિલિંગ માટે યૂપી અને બિહારના શૂટર્સને સોપારી આપવાની તૈયારી કરી છે.
જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પણ વધી રહ્યું છે જે ચિંતાજનક છે. ગુપ્તચર સૂત્રો અનુસાર, ISIએ યુપી બિહારમાં હાજર પોતાના એજન્ટોને આ માટે નિર્દેશ આપ્યા છે. ISIએ પોતાના ગુર્ગોને કહ્યું છે કે, એવા શૂટરની ઓળખ કરે જેનો ક્રિમિનલ રેકોર્ડ સારો હોય અને જેનો ઉપયોગ ઘાટીમાં ટારગેટેડ કિલિંગ માટે કરી શકાય. સોપારી તરીકે કિલરને પણ મોટી રકમ અપાશે.
જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદથી ત્યાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ISIને આ આંખમાં ખૂંચી રહ્યું હોવાથી તે ત્યાં હવે ડર અને અસુરક્ષાનો માહોલ બનાવવાના બદઇરાદા ધરાવી રહ્યું છે. કાવતરું એવું છે કે, જો ઘટના બાદ સુપારી કિલર સુરક્ષા કર્મીઓના હાથે મરી જાય કે પકડાઇ જાય તો ISI અને પાકિસ્તાન સરળતાપૂર્વક પોતાનું પલ્લુ ખંખેરી શકે છે. આતંકીઓના નિશાના પર સફરજનનો વ્યાપાર કરતા વેપારીઓ છે.
ગત સપ્તાહની વાત કરીએ તો, જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓએ 7થી વધુ લઘુમતીઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. જો કે બીજી તરફ સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપતા અનેક આતંકીઓના ઢીમ ઢાળી દીધા છે.