Site icon Revoi.in

આ રાજ્યમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ પહેલ, તેઓ માટે શરૂ કરાયું રસીકરણ અભિયાન

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડતમાં સૌથી મહત્વપૂર્ણ એવું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોના મહામારીને કારણે નોકરી-ધંધા, અભ્યાસ અને વિદેશ જવાની નીતિઓ પર પણ પ્રતિકૂળ અસર થવા પામી છે. ભારતથી મોટા પાયે વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે વિદેશ જવાની ખેવના ધરાવે છે. જો કે કોરોના મહામારીને કારણે તેમાં વિધ્ન આવી રહ્યું છે. હવે આ દિશામાં તેલંગાણા સરકારે પગલું ભર્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશ જવાનું હોય તેમના માટે તેલંગાણામાં ખાસ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રિવેન્ટિવ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટની દેખરેખ હેઠળ આવા વિદ્યાર્થીઓ માટે એક રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. રસી મેળવવા માટે વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટીનો પ્રવેશપત્ર, પાસપોર્ટ તેમજ વિદ્યાર્થી વિઝા સાથે રસીકરણ કેન્દ્ર પર જવાનું રહેશે.

આ અંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનના ડિરેક્ટર ડૉ. શંકરે જણાવ્યું કે, વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ, જેઓ રસી લેવાનું ઇચ્છે છે, તેઓ રસીની નોંધણી માટે બનાવેલ ખાસ વેબસાઇટ પર 2 દિવસ અગાઉ નોંધણી કરાવી શકે છે.

આપને જણાવી દઇએ કે અત્યારે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે પણ સમગ્ર દેશમાં અત્યારસુધી 23 કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, શનિવારે આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 16,19,504 ડોઝ 18-44 વર્ષની વય જૂથના લાભીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 41,058 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.