Site icon Revoi.in

કાશ્મીરમાં ફરી આતંકવાદ વધવાના અણસાર, આ છે મહત્વનું કારણ

Social Share

નવી દિલ્હી: હાલમાં કાશ્મીરમાં આતંકી હિલચાલ ઓછી છે જો કે એકવાર અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે ત્યારબાદ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધશે તેવી ચિંતા અમેરિકન ડિફેન્સ થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝે વ્યક્ત કરી છે. પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વધુ સક્રિય થશે.

થિંક ટેંકના જર્નલના અહેવાલમાં કહેવાયું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓ વધારે મજબૂત થશે અને તેનાથી પાક. પ્રેરિત આતંકી સંગઠનોને પણ પ્રોત્સાહન મળશે. અમેરિકન સૈન્યની અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ થઇ છે તેને આતંકી સંગઠનોમાં તાલિબાની આતંકીઓની જીત ગણવામાં આવી રહી છે. આ સંજોગોમાં પાક. પ્રેરિત આતંકીઓ વધુ આક્રમક બનશે.

થિંકે ટેકે મત વ્યક્ત કર્યો છે કે કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપતા પાક. પ્રેરિત આતંકવાદીઓ વધારે સક્રિય થશે. ધ લોંગ વોર જર્નલના એડિટર બિલ રોગિઓએ અભિપ્રાય આપ્યો છે કે, અમેરિકન પ્રમુખ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચવાનો જે નિર્ણય કર્યો છે તેની અસર સમગ્ર વિસ્તારમાં થશે. 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યની હાજરી હતી જેનાથી આતંકીઓ કાબૂમાં હતા. હવે જ્યારે અમેરિકન સૈન્ય પાછું ફરશે તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓમાં અમેરિકાનો ડર ખતમ થઇ જશે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો પર લાંબાં સમયથી નજર રાખનારા અમેરિકન એક્સપર્ટનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં જેવી રીતે તાલિબાની આતંકવાદીઓ સરકાર સામે દબાણ લાવવામાં સફળ થયા છે તેને ધ્યાનમાં રાખીને પાક પ્રેરિત અન્ય આતંકવાદી સંગઠનો પણ કાશ્મીરમાં વધારે જોશ સાથે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપશે.