- કૃષિ કાયદાને દોઢ વર્ષ મોકૂફ રાખવાનો કેન્દ્રનો પ્રસ્તાવ
- જો કે ખેડૂતોએ કહ્યું કે અમે અન્ય સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરીશું
- આગામી બેઠક 22મી જાન્યુઆરીની નક્કી કરવામાં આવી
નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો અને સરકાર વચ્ચેની બુધવારે 10માં તબક્કાની મંત્રણા બાદ પણ કોઇ નક્કર ઉકેલ આવી શક્યો નથી. છેલ્લી બેઠકમાં સરકાર દ્વારા કૃષિ કાયદાઓ પરનો ગુંચવાડો દૂર કરવા તેને દોઢ વર્ષ સુધી મોકૂફ રાખવા એટલે કે ટાળવાની સાથે ખેડૂત સંગઠનો અને સરકારના પ્રતિનિધિઓની એક સંયુક્ત સમિતિ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો ખેડૂત નેતાઓએ હજુ સ્વીકાર કર્યો નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડૂત નેતાઓએ સરકારને કહ્યું કે અમે તમામ સંગઠનો એકબીજા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સરકારના પ્રસ્તાવ અંગે જવાબ આપીશું. સરકાર અને 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓના વચ્ચે 10માં તબક્કાની મંત્રણા બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે આગામી બેઠક 22મી જાન્યુઆરીની નક્કી કરવામાં આવી છે.
આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ જોગિંદર સિંહ ઉગરાહાએ કહ્યું હતું કે સરકારે કૃષિ કાયદાઓને દોઢ વર્ષના માટે સસ્પેન્ડ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ તો અમે તેને ફગાવી દીધો છે, પરંતુ સરકારનો પ્રસ્તાવ હોઇ ગુરુવારે તમામ સંગઠનો એકસાથે બેસીની તેના પર ચર્ચા વિચારણા કરીશું. ત્યારબાદ સરકાર સમક્ષ અમારો મત રજૂ કરીશું.
મહત્વનું છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે અનેકવાર મંત્રણા થવા છતાં સરકાર કૃષિ કાયદો પરત ખેંચવા માટે તૈયાર નહોતી જો કે, અંતિમ બેઠકમાં પણ કોઇ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી ત્યારે સરકારે કૃષિ કાયદાને દોઢ વર્ષ માટે મોકૂફ રાખવાનો પ્રસ્તાવ ખેડૂત સંઘો સમક્ષ રજૂ કર્યો હતો.
(સંકેત)