તરુણ તેજપાલને નિદોર્ષ જાહેર કરતા ચુકાદા સામે ગોવા સરકારે બોમ્બે હાઇકોર્ટમાં કરી અપીલ
- દુષ્કર્મ કેસમાં ગોવાની નીચલી કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યો હતો
- જો કે નીચલી કોર્ટના ચુકાદા સામે ગોવા સરકારે બોમ્બ હાઇકોર્ટમાં અરજી કરી છે
- બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને ગોવા સરકારે મહિલા પત્રકારને ન્યાય અપાવવા અપીલ કરી છે
નવી દિલ્હી: દુષ્કર્મ કેસના આરોપી તરુણ તેજપાલને 8 વર્ષ બાદ ગોવાની નીચલી કોર્ટે નિદોર્ષ છોડી મૂક્યા હતા. સાથોસાથ નીચલી કોર્ટે પોલીસની તપાસને પણ શંકાના કઠેડામાં મૂકી હતી. કોર્ટે કહ્યું હતું કે, તપાસ દરમિયાન ગોવા પોલીસે પૂરાવાઓને નષ્ટ કર્યા હતા અને યોગ્ય સાક્ષીઓ રજૂ કર્યા ન હતા.
જો કે હવે નીચલી કોર્ટના ચુકાદા સામે ગોવા સરકારે મહિલા પત્રકારને ન્યાય અપાવવા માટે બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને હાઇકોર્ટમાં અપીલ કરી છે.
જ્યારે તરુણ તેજપાલને નીચલી કોર્ટે છોડી મુક્યા હતા ત્યારે કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ગોવા પોલીસે તપાસ દરમિયાન ફાઈવ સ્ટાર હોટલના પહેલા ફ્લોર પરના સીસીટીવી ફૂટેજ નષ્ટ કરી દીધા હતા. જે એક મહત્વનો પૂરાવો હતો. નિષ્પક્ષ તપાસ કોઈ પણ આરોપીનો મૌલિક અધિકાર છે.
દરમિયાન કોર્ટે પોતાના ચુકાદામાં આગળ કહ્યુ હતુ કે, તપાસ અધિકારીએ ગ્રાઉન્ડ, ફ્લોર, બીજા ફ્લોરના સીસીટીવી ફૂટેજ ભેગા કર્યા હતા. જોકે પહેલા ફ્લોરના ફૂટેજ કોર્ટમાં રજૂ કરાયા નહોતા. જે તપાસમાં મહત્વની ચૂક હતી. તપાસ અધિકારીએ સીસીટીવી ફૂટેજ સાથે પીડિતાના નિવેદનની સરખામણી પણ નહોતી કરી. જે આ તપાસમાં સૌથી નિષ્પક્ષ પૂરાવો હોત. અદાલતે કહ્યું હતું કે, તપાસ અધિકારીની જવાબદારી બને છે કે, તે નિષ્પક્ષ તપાસ કરે અને સત્યને સામે લાવે.
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પૂરાવો પર વિચાર કર્યા બાદ આરોપી તરુણ તેજપાલને શંકાનો લાભ આપવામાં આવે છે. કારણ કે ફરિયાદ પક્ષ દ્વારા લગાવાયેલા આરોપોનુ સમર્થન કરવા માટે કોઈ પૂરાવો નથી.
ઉલ્લેખનીય છે કે, તેજપાલ પર 7 નવેમ્બર,2013ના રોજ ગોવાની ફાઈવ સ્ટાર હોટલમાં લિફ્ટમાં પિડિતા સાથે કથિત રીતે દુષ્કર્મ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.