Site icon Revoi.in

કોરોના વેક્સિનેશન અભિયાન વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થગિત કર્યું પોલિયો અભિયાન

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આગામી 16મી જાન્યુઆરીથી દેશમાં કોરના વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ અભિયાનો પર પડી રહી છે. કોરોના વેક્સિનેશન અભિયાનને કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે પોલિયો અભિયાનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 17 જાન્યુઆરીએ દેશભરમાં પોલિયો રસીકરણ દિવસની ઉજવણી થવાની હતી, જેને આગલા આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આકસ્મિક ગતિવિધિઓના પગલે પોલિયો અભિયાન સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. પોલિયો અભિયાન માટે જે ટીમ કામ કરે છે તે ટીમો હવે કોરોના વેક્સિનેશન અભિયાન માટે કામ કરશે.

આપને જણાવી દઇએ કે ભારતમાં મોટા પાયે પોલિયો રસીકરણ અભિયાન થતું હોય છે. જેના કારણે 27 માર્ચ 2014ના દિવસે જ ભારત પોલિયો મુક્ત બન્યું હતું. ત્યારબાદ સાવધાની તેમજ સતર્કતાના ભાગરૂપે પોલિયો રસીકરણ શરૂ રાખવામાં આવ્યું છે. જેથી ભાવિમાં કોઇ બાળક પોલિયોનો શિકાર ના બને.

નોંધનીય છે કે, દર વર્ષે લાખો બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે. ભારત વિશ્વનું સૌથી મોટું પોલિયો અભિયાન ચલાવે છે. ત્યારે હાલ પુરતી તેના પર રોક લગાવાઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આગલા આદેશ સુધી અભિયાનને સ્થગિત રાખવામાં આવ્યું છે.

(સંકેત)