Site icon Revoi.in

કોવિડ-19ની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય: ICMR

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. જો કે, બીજી તરફ દેશમાં ત્રીજી લહેર પણ દસ્તક દઇ રહી છે. તાજેતરમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે ચિંતા વધી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ત્રીજી લહેરમાં મુખ્ય કારક તરીકે કામ કરે તેવી આશંકા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેરને લઇને ICMR દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરાયો છે.

ભારતમાં જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તે બીજી લહેર જેટલી ભયાવહ અને ગંભીર નહીં હોય તેવું ICMRના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે. જો કે રસીકરણમાં ઝડપ કોરોના ઉપરાંત ભવિષ્યની અન્ય કોઇપણ લહેરને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

અભ્યાસમાં ત્રીજી લહેરની શક્યતાઓ અંગે વાત કરતા કહેવામાં આવ્યું છે કે, સંક્રમણ આધારીત પ્રતિકારક ક્ષમતાથી ઈમ્યુનિટી કેપેસિટી સમય સાથે ઘટી શકે છે. આ સંજોગોમાં પહેલેથી સંક્રમણની હદમાં આવી ચુકેલા લોકો ફરી સંક્રમિત થઈ શકે છે.

ICMRના તાજેતરના અભ્યાસ અનુસાર ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પહેલાની તુલનાએ ગર્ભવતી મહિલાઓ વધારે ગંભીર રીતે પ્રભાવિત થઇ હતી. આ વર્ષે મૃત્યુદર અને સંક્રમિત કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે.

આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવના કહેવા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન છે કે, પ્રેગ્નેટ મહિલાઓને વેક્સિન આપી શકાય. વેક્સિનેશન પ્રેગનેન્ટ મહિલાઓ માટે ઉપયોગી છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી. આ દરમિયાન કોરોનાના દૈનિક કેસની સંખ્યાએ અનેક રેકોર્ડ બ્રેક કર્યા હતા.