- જમ્મૂ કાશ્મીરમાં ઉપદ્રવીઓ વિરુદ્વ કડક વલણ
- ઉપદ્રવીઓ કે હિંસા ફેલાવનારને સરકારી નોકરી નહીં મળે
- તે ઉપરાંત પાસપોર્ટ પણ નહીં મળે
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ થવાના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારથી અહીંયા શાંતિનો માહોલ છે. અહીંયા ઘણી વાર ઉપદ્રવીઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને કડક સુરક્ષાના પગલાને કારણે તેઓના દરેક પ્રયાસ એણે ગયા. હવે જમ્મૂ કાશ્મીરમાં આવા જ ઉપદ્રવીઓ વિરુદ્વ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આવા લોકોને હવે સરકારી નોકરી તેમજ પાસપોર્ટ પણ નહીં મળે.
પ્રાપ્ત જાણકારી અનુસાર હવે ઉપદ્રવ ફેલાવતા તેમજ જમ્મૂ કાશ્મીરમાં પથ્થરમારો કરનારાને દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. આવા લોકોને જમ્મૂ-કાશ્મીર સરકાર કોઇપણ પ્રકારની નોકરીની તક નહીં આપે. જો આ લોકો પાસપોર્ટ માટે અરજી કરે છે તો તેઓને પાસપોર્ટ પણ નહીં આપવામાં આવે.
મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પથ્થરમારો કરનારા તેમજ રાજ્ય અને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો પેદા કરતી ગતિવિધિઓમાં જે લોકોની સંડોવણી હોય તે લોકોને પાસપોર્ટ બનાવી આપવામાં નહીં આવે. તેઓને વિદેશ જવાની તક પણ નહીં સાંપડે.
નોંધનીય છે કે, CIDની વિશેષ શાખા કાશ્મીર તરફથી તમામ સંબંધિત અધિકારીઓ અને જવાબદાર વિભાગોને આ સંબંધિત આદેશ મોકલવામાં આવ્યો છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જ્યારે કોઇ વ્યક્તિની તપાસ કરાય ત્યારે તે કોઇ હિંસક ગતિવિધિઓ, પથ્થરમારો કે દેશ અને રાજ્યની સુરક્ષા માટે ખતરો ઉપસ્થિત કરનાર ગતિવિધિમાં સામેલ ના થયો હોય તે ધ્યાન રાખવામાં આવે.