- અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસે દિલ્હીથી આપ્યું સંબોધન
- બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર કોર્ટોની જ નથી: એન.વી.રામના
- લોકશાહીના ત્રણેય સ્તંભ સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે
અમદાવાદ: અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રામનાએ દિલ્હીથી ઑનલાઇન સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર કોર્ટોની જ નથી. લોકશાહીના ત્રણેય સ્તંભ સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે કે આ મૂલ્યોની રક્ષા કરવામાં આવે.
કાયદાઓની ન્યાયિક સમીક્ષા કરવી એ ન્યાયતંત્રના મુખ્ય કાર્યો પેકીનું એક છે. સરકારના પગલાંઓ અને સત્તા ચકાસણી કરવા માટે ન્યાયતંત્ર પાસે પૂર્ણ સત્તા આવે છે. તેનો મતલબ એવો નથી કે બંધારણવાદ અને બંધારણીય મૂલ્યોના રક્ષણની જવાબદારી માત્ર કોર્ટોની જ છે. લોકશાહીના ત્રણેય સ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે કે આ મૂલ્યોની રક્ષા કરવામાં આવે.
ન્યાયતંત્રનું કામ સરકારની સત્તા અને પગલાંઓની ચકાસણી કરવાનું છે. ન્યાયતંત્ર પર ધારાસભા કે કારોબારીનું પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંક્ષણ ન હોઇ શકે. આવું નિયંત્રણ આવે તો કાયદાનું શાસન આભાસી બનશે. તો બીજી તરફ જજોએ પણ સોશિયલ મીડિયા પર પ્રવર્તતા અભિપ્રાયો અને લાગણીશીલ મતોથી પ્રભાવિત થઇ નિર્ણયો ન કરવા જોઇએ.
જજોએ સમજવું જોઇએ કે આ પ્લેટફોર્મના માધ્યમથી આવતા અભિપ્રાયો સાચા જ નથી હોતા. ન્યૂ મીડિયા તરીકે ઓળખાતા આ સોશિય મીડિયા પ્લેટફોર્મ પાસે કોઇપણ સંદેશો કે અભિપ્રાય ફેલાવવાની શક્તિ ખૂબ પ્રચંડ છે પરંતુ આ માધ્યમો સાચું કે ખોટું, સારું કે ખરાબ કે વાસ્તવિક કે નકલી શું છે તેનો ભેદ કરી શકતા નથી. તેથી જજોએ સંપૂર્ણ સ્વતંત્ર રીતે વર્તવું જોઇએ.
જો કે તેનો મતલબ નથી કે એવો નથી કે જજો અને ન્યાયતંત્રએ બહાર શું થઇ રહ્યું છે તેનાથી છેડો ફાડી નાંખવો. જજોએ આઇવરસી કાસલ એટલે કે ઉંચાઇવાળા કિલ્લામાં બેસી નિર્ણયો ન કરવા જોઇએ. સરકારી હોય કે બિનસરકારી સંસ્થા આપણે કોઇ ડર કે કે તરફેણ વિના નિર્ણય કરવાનો રસ્તો પસંદ કર્યો છે.
જ્યારે કાયદાના શાસની વાત આવે ત્યારે કાયદાની વ્યાખ્યા સમજવી જરૃરી છે. કાયદો સામાજિક નિયંત્રણનું સાધન છે, તેને સમયવાયતંત્ર દ્વારા ટેકો મળે છે. જો કે આ વ્યાખ્યા સંપૂર્ણ નથી. કાયદાનો ઉપયોગ માત્ર ન્યાય આપવા માટે જ નહીં પરંતુ કોઇ કામગીરીની સમીક્ષા કરવા કે તેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવા માટે પણ થઇ શકે છે.