Site icon Revoi.in

ટોચના અર્થશાસ્ત્રીઓનો નરેન્દ્ર સિંઘ તોમરને પત્ર: કૃષિ કાયદો પાછો ખેંચવો હિતાવહ

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં વસતા ટોચના કેટલાક અર્થશાસ્ત્રીઓએ કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરને પત્ર લખીને જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાની જોગવાઇઓ બદલવાથી કશું નહીં વળે. કૃષિ કાયદો રદ કરી દો એ જ બહેતર વિકલ્પ રહેશે.

અર્થશાસ્ત્રીઓએ સૂર વ્યક્ત કર્યો હતો કે આ કાયદા નાનકડાં અને માર્જિનલ ખેડૂતોના હિતમાં નથી. આ પત્ર લખનારામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ ડી નરસિંહા રેડ્ડીનો પણ સમાવેશ થાય છે.

રેડ્ડીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કૃષિ માર્કેટિંગ સિસ્ટમમાં ફેરફાર આવશ્યક છે એ વાત સાચી પરંતુ તમે ઘડેલા કાયદા એ જરૂરિયાત પૂરી કરતા નથી.

પત્ર લેખક અર્થશાસ્ત્રીઓએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સરકારે ખોટી માન્યતાઓ પર આધારિત કાયદા ઘડ્યા હતા. આ અર્થશાસ્ત્રીઓએ આ કાયદા કઇ રીતે નાનકડા અને માર્જિનલ ખેડૂતોને નુકસાનકારક છે એ હકીકત પાંચ મુદ્દા દ્વારા સ્પષ્ટ કરી હતી.

તે ઉપરાંત લેખકોએ એવો પણ અભિપ્રાય રજૂ કર્યો હતો કે આ કાયદા ઘડીને કેન્દ્ર સરકારે સમવાય તંત્રના નિયમનો ભંગ કરીને રાજ્યોની ઉપેક્ષા કરી હતી. આ કાયદાથી રાજ્યોની ભૂમિકા ઓછી થઇ જાય છે અને નાનકડા ખેડૂતો માર્યા જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યોમાં જે મંડી (બજારો) હતી એ યોગ્ય હતી, આ બજારો કેન્દ્રના અંકુશ હેઠળ આવે એટલે મોટા વેપારીઓને જ લાભ થાય.  નાનકડા અને સીમાંત (માર્જિનલ) ખેડૂતોના માલના વેચાણમાં રાજ્યો વધુ સારી રીતે બંદોબસ્ત કરી શકતા હતા જે કેન્દ્ર સરકારના અંકુશ હેઠળનાં બજારોમાં શક્ય નહીં બને.

(સંકેત)