Site icon Revoi.in

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોએ હવે વીમા માટે વધુ પ્રીમિયમ ભરવું પડશે

Social Share

નવી દિલ્હી: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અત્યારસુધી દંડ તો ભરવો જ પડતો હતો પરંતુ હવે તેઓએ બીજી એક રીતે પણ ખિસ્સા ખાલી કરવા પડી શકે છે. વીમા નિયમનકારી સંસ્થા IRDAI દ્વારા નિયુક્ત એક સમિતિએ ભલામણ કરી છે કે ટ્રાફિકના નિયમો તોડનારા પાસેથી વીમાનું ઉંચુ પ્રીમિયમ વસૂલવામાં આવે. જો આ નિયમનું અમલીકરણ થશે તો વાહનચાલકોને જેટલો મેમો મળ્યો હશે તે પ્રમાણે વાહનચાલકોએ વાહનનો વીમો લેતી વખતે પૈસા વધુ ભરવા પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવ સભ્યોની બનેલી કાર્યકારી સમિતિએ ટ્રાફિક વાયોલેશન પ્રીમિયમ પર રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સમિતિમાં IRDAI ઉપરાંત ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યૂરો તેમજ વીમા કંપનીઓ ઉપરાંત દિલ્હી પોલીસના અધિકારીઓ પણ સામેલ હતા. રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે મોટર ઇન્શ્યોરન્સના સેક્શનમાં આ અંગેની જોગવાઇઓ ઉમેરી શકાય છે.

જો આ ભલામણ લાગુ પડી જાય તો વીમા કંપનીઓ વાહનનો ઇનશ્યોરન્સ લેનારા વ્યક્તિએ ટ્રાફિકના કેવા નિયમોનો કેટલીવાર ભંગ કર્યો છે તેની માહિતી એકત્ર કરીને તેના આધારે પ્રીમિયમ નક્કી કરી શકશે.

હવે દેશના મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને કેમેરા દ્વારા પકડીને તેમના ઘરે ઇ-મેમો મોકલવામાં આવે છે. જેની વિગતો વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે ઓનલાઇન જોઇ શકાય છે. આ ઉપરાંત, કેટલાક રાજ્યોમાં ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવતા દંડની માહિતી પણ હવે ઓનલાઇન થઇ ગઇ છે. તેવામાં જે વાહનનો વીમો લેવાનો હોય તેનો રજિસ્ટ્રેશન નંબર નાખીને તેના પર ઇશ્યૂ થયેલા મેમોની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

જો કે, હજુ પણ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં પોલીસ દ્વારા કરાતી દંડાત્મક કાર્યવાહીની કામગીરી મેન્યુઅલ જ કરવામાં આવે છે. અર્થાત્ જો પોલીસે મેમો આપ્યો હોય તો તેનો ટ્રેક રેકોર્ડ ઓનલાઇન જોવા મળતો નથી અને વાહનચાલકે ભૂતકાળમાં કેટલીવાર નિયમોનં ઉલ્લંઘન કર્યું તેની વિગતો પણ જાણી શકાતી નથી. જો કે હવે ધીરે ધીરે પોલીસ ડિજીટલ કામગીરી તરફ આગળ વધી રહી છે.

(સંકેત)