- શું Kooથી ડરી ગયું ટ્વિટર?
- હવે ટ્વિટર ફેક-ટ્રોલ એકાઉન્ટ્સ પણ વેરિફાઇ કરી રહી છે
- યૂઝર્સ જાળવવા કરી રહી છે આ કીમિયો?
નવી દિલ્હી: ટ્વિટર પોતાની પોલિસીને લઇને કોઇને કોઇ વિવાદમાં રહેતી હોય છે. હવે ટ્વીટરે ફેક એકાઉન્ટ્સને પણ બ્લૂ બૈજ આપવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર તેની વેરિફિકેશન પોલિસીને લઇને વધુ ચર્ચામાં રહે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર તાજેતરમાં જ નવી વેરિફેકેશન પોલિસી લાવ્યું છે. તેને લઇને ભારે વિવાદ શરૂ થયો છે. અહીંયા વિવાદ એ છે કે, કંપની હવે ફેક એકાઉન્ટ, બૉટ એકાઉન્ટ અને ટ્રોલ એકાઉન્ટ્સનું પણ ટ્વિટર હેન્ડલ વેરિફાઇ કરી રહી છે.
ટ્વિટરે પોતાની પોલિસીમાં સ્પષ્ટતા સાથે લખ્યું છે કે, કંપની કોઇપણ ફેક, પેરોડી કે ટ્રોલ એકાઉન્ટ્સ વેરિફાઇ નહીં કરે તેમ છતાં એવું થઇ રહ્યું છે. અનેક હેન્ડલ્સ એવા છે જે ટ્રોલ્સ છે અને તેને વેરિફાઇ કરી દેવામાં આવ્યા છે. જો કે કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને કેટલાક હેન્ડલ્સ દૂર પણ કર્યા છે. પરંતુ હજુ આ મુદ્દો ઉકેલાયો નથી.
આના પહેલા સુધી ટ્વીટર વેરિફિકેશનને લઈ ખૂબ સ્ટ્રીક્ટ હતું. કંપની ફક્ત ક્રેડિબલ એકાઉન્ટ્સને જ વેરિફાઈ કરતી હતી. હવે કંપની એવા એકાઉન્ટ્સ પણ વેરિફાઈ કરી રહી છે જે પહેલા ટ્રોલ એકાઉન્ટ હતા અને બાદમાં હેન્ડલ ચેન્જ કરવામાં આવ્યું હોય.
આવું શા માટે બની રહ્યું છે? શું ટ્વીટરને હવે ભારતીય માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂનો ડર લાગી રહ્યો છે? હકીકતે Koo પર એકાઉન્ટ બનાવીને વધુ ફોલોઅર્સ ભેગા કરવા અને વેરિફિકેશન મેળવવું ટ્વીટરની સરખામણીએ હજુ સરળ છે. આ સંજોગોમાં લોકો ત્યાં વેરિફિકેશન કરાવીને ટ્વીટર પર સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે.
આ કારણે કેટલાક યુઝર્સ કૂ પર વધુ એક્ટિવ થઈ ગયા છે. આ સંજોગોમાં ટ્વીટરે પણ કદાચ પોતાના યુઝર્સ જાળવી રાખવા માટે સાચા ખોટા દરેક પ્રકારના એકાઉન્ટ્સ વેરિફાઈ કરવાનું શરૂ કરી દીધું છે.