Site icon Revoi.in

ટ્વિટરે સ્વીકારી ભૂલ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી કર્યું વેરિફાઇડ

Social Share

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે થોડાક સમય પહેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનું ટ્વિટર એકાઉન્ટ અનવેરિફાઇડ કર્યું હતું. જો કે બાદમાં ટ્વિટરે પોતાની ભૂલ સ્વીકારતાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરીથી વેરિફાઇડ કર્યું છે. સરકારની નારાજગી બાદ ટ્વિટરે આ નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ છે. બંધારણીય પદ પર બેસેલ વ્યક્તિ કોઇ પક્ષનો હિસ્સો નથી હોતો.

સરકારના કડક વલણ બાદ ટ્વિટરે આ એકાઉન્ટ ફરીથી વેરિફાઇડ કર્યું હતું. આપને જણાવી દઇએ કે ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટના 11 લાખ ફોલોઅર્સ છે. તેઓના ટ્વિટર એકાઉન્ટથી છેલ્લા 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતી થઇ. આ એકાઉન્ટથી 23 જુલાઇ 2020ના રોજ અંતિમ વેળા ટ્વીટ કરાયું હતું.

આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પોતાની પોલિસી અનુસાર, ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિના હોદ્દા પર ધ્યાન નથી આપતું. બ્લૂ ટિક બેજથી એ ખબર પડે છે કે આ એકાઉન્ટ વેરિફાઇડ છે અને સમાજ માટે આ મહત્વપૂર્ણ વ્યક્તિનું એકાઉન્ટ છે.

નોંધનીય છે કે, ટ્વિટરનું એકાઉન્ટ વેરિફાઇ કરાવવા માટે એકાઉન્ટ સક્રિય, વાસ્તવિક અને સમાજ માટે કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિનું હોવું અનિવાર્ય છે. ટ્વિટર પર અત્યારે છ પ્રકારના એકાઉન્ટ છે. જેમાં સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ, NGO, ન્યૂઝ ચેનલો, પત્રકારો, મનોરંજન અને રમતગમત સાથે સંકળાયેલા લોકો, કાર્યકરો, વ્યવસ્થાપકો અને બીજા મહત્વપૂર્ણ લોકોના એકાઉન્ટ સમાવિષ્ટ છે.