ચેતજો, પૈસા ડબલ કરવાની લાલચ આપી કરી 250 કરોડની છેતરપિંડી, 50 લાખ લોકો આ એપ કરી ચૂક્યા હતા ડાઉનલોડ
- 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપીને કરી 250 કરોડ રૂપિયાની છેતરપિંડી
- ચીનના સ્ટાર્ટઅપ હેઠળ બનેલી એપ મારફતે કરી આ છેતરપિંડી
- છેતરપિંડીની ધનરાશિ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને વિદેશ મોકલવામાં આવી રહી હતી
નવી દિલ્હી: જો તમે પણ કોઇ એપ્લિકેશન દ્વારા માત્ર 15 દિવસમાં પૈસા ડબલ કરતી આપતી ઑફર્સ મેળવો તો સાવચેત રહેજો બાકી તમારી સાથે મોટી છેતરપિંડી થઇ શકે છે. હકીકતમાં, ઉત્તરાખંડ એસટીએફે નોઇડાથી આવા જ એક આરોપીની 250 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે.
ઉત્તરાખંડ પોલીસે એક મોટી છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. આ આરોપીએ માત્ર 4 મહિનાના સમયગાળામાં જ લોકોને 250 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ચીનની સ્ટાર્ટઅપ યોજના હેઠળ બનેલ એપથી આ છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો હતો. દેશમાં લગભગ 50 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી. આ એપમાં માત્ર 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવે છે.
કઇ રીતે કરી છેતરપિંડી
આરોપીએ 15 દિવસમાં પૈસા ડબલ કરવા માટે પહેલા લોકોને પાવર બેંક એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. જે બાદ તેમને માત્ર 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લોભામણી ઑફર કરવામાં આવી હતી.
આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે હરિદ્વારના એક નિવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પાવર બેંક એપથી પૈસા બે ગણવા માટે 2 વાર અનુક્રમે 93 હજાર અને 72 હજાર જમા કરાવ્યા હતા. જેમને 15 દિવસમાં ડબલ કરવાની વાત કરાઇ હતી. પરંતુ એવું થયું નહોતું. પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું કે અલગ અલગ ખાતામાંથી ધનરાશી ટ્રાન્સફર કરાઇ હતી. તેમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા 250 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.
ઉત્તરાખંડ STFએ તપાસ બાદ નોઇડાથી એક આરોપી પવન પાંડેને અરેસ્ટ કર્યો છે. આરોપીની પસેથી 19 લેપટોપ, 592 સિમ કાર્ડ, 5 મોબાઇલ ફોન, 4 એટીએમ કાર્ડ અને 1 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. એસટીએફની તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે, ધનરાશિ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને વિદેશ મોકલવામાં આવી રહી હતી.
નોંધનીય છે કે, દહેરાદૂનના એડીજી અભિનવ કુમાર અનુસાર ચીની સ્ટાર્ટ અપ યોજના હેઠળ આ એપ બનાવાઇ હતી. તેમણે આ મામલામાં અન્ય તપાસ એજન્સીઓ IB અને રૉને પણ સૂચના આપી હતી. જે વિદેશી લોકોની આમાં સંડોવણી છે, તેમનો દૂતાવાસનો સંપર્ક કરીને જાણકારી માંગવામાં આવી રહી છે.