- લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
- આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું
- ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત
લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના રામ મંદિરની આસપાસની રેકીના નક્શા મળ્યા છે. આ સિવાય કાશી તેમજ મથુરાના પણ ધાર્મિક સ્થળોના નક્શા એટીએસને આતંકીઓ પાસેથી મળ્યા છે. નક્શામાં અલગ અલગ પોઇન્ટ પણ દર્શાવવામાં આવ્યા છે.
આતંકીઓ પાસેથી ઉત્તર પ્રદેશના ઘણા મોટા શહેરના જાહેર અને ધાર્મિક સ્થળોની વિગતો મળી આવી છે. એટીએસને ટેલિગ્રામ, વીડિયો કોલ, વોટ્સએપ કોલ અને ચેટની માહિતી પણ મળી છે.
આપને જણાવી દઇએ કે ATSએ છેલ્લા 24 કલાકમાં 1 ડઝનથી વધુ શંકાસ્પદોને પોતાની કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ કરવામાં આવી છે. કાનપુરના કેટલાક યુવાનો પણ આ ગેંગમાં સામેલ છે અને સક્રિય રૂપથી આતંકીઓના સંપર્કમાં છે. એટીએસની ટીમે ચમનગંજના પેંચબાગ અને જાજમઉમાં દરોડા પાડી ચાર યુવકોને કસ્ટડીમાં લીધા છે.
મહત્વનું છે કે, ઇન્ડિયન મુઝાહિદ્દીન, બૂજી અને ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાના આતંકીઓ પ્રેશર કુકરનો ઉપયોગ કરતા હતા. 23 નવેમ્બર 2007ના લખનઉ, ફૈઝાબાદ અને વારાણસીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બધામાં ટિફિન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ધમાકાને ઇન્ડિયન મુઝાહિદ્દીન અને હૂજીના આતંકીઓએ અંજામ આપ્યો હતો.
લખનઉમાં આતંકીઓ ઝડપાયા બાદ વારાણસીમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી ક્ષેત્રની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ઘાટ અને જાહેર સ્થળો પર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. 15 જુલાઈએ પ્રધાનમંત્રી મોદી વારાણસી જવાના છે. પીએમના પ્રવાજને જોતા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવામાં આવી છે.