- ઉત્તરાખંડમાં મેઘતાંડવ
- 48 કલાકમાં 23નાં મોત
- કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
નવી દિલ્હી: કેરળ બાદ ઉત્તરાખંડમાં પણ મેઘતાંડવે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં વરસાદના કારણે 23 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં કુમાઉંમાં 17 લોકોના મોતના સમાચાર છે. આ ઉપરાંત નૈનીતાલમાં પણ 13, અલ્મોડામાં 4 લોકોના મોત થયા છે. મોસમ વિભાગ અનુસાર વરસાદે કુમાઉં અંચલમાં 124 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઉત્તરાખંડની સ્થિતિને લઇને સીએમ ધામીએ કહ્યું હતું કે, અત્યારસુધીમાં મેઘકહેરને કારણે 16 લોકોના મોતની પૃષ્ટિ થઇ છે. રાજ્યમાં મકાનો અને પુલો સહિતના બાંધકામો પ્રભાવિત થયા છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે ત્રણ હૈલિકોપ્ટરોને તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ મૂશળધાર વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધવાને કારણે આગમચેતી તરીકે ઉધમસિંહ નગરમાં આવેલ નાનક સાગર ડેમના બધા દરવાજા ખોલવા પડ્યા છે.
ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદના પ્રકોપને કારણે રાજ્ય સરકારે ચારધામ યાત્રા પર રોક લગાવી છે ત્યારે બીજી તરફ ગુજરાતના સેંકડો તીર્થયાત્રાળુઓ ત્યાં ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના અનેક યાત્રાળુઓ ઉત્તરકાશી, નેતાલા અને આજુબાજુના વિસ્તારમાં ફસાયાના સમાચાર છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે વાત કરીને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
નોંધનીય છે કે, હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.