- ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનને 6 દિવસ પૂર્ણ થયા
- આ 6 દિવસમાં દેશમાં 10 લાખ કરતાં વધારે લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા
- બાકી દેશોની તુલનાએ રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપથી ચાલી રહી છે
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનને 6 દિવસ પૂર્ણ થઇ ગયા છે. આ 6 દિવસમાં દેશમાં 10 લાખ કરતા વધારે લોકોને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બાકી દેશોની તુલનાએ રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપથી ચાલી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 16 જાન્યુઆરીએ કોરોનાની રસી માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેને એક સપ્તાહ થયું છે. અત્યારસુધીમાં 12.7 લાખ લોકોને રસી આપવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર ગુરુવાર રાત સુધીમાં 10.4 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
આ પહેલા કોરોનાની રસી દેશમાં સૌથી ઝડપી પહોંચાડવામાં અમેરિકા આગળ હતું જ્યાં 10 દિવસમાં 10 લાખ લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવામાં આવી હતી. અહીં 14 ડિસેમ્બરે રસીકરણની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જ્યારે યુકેમાં 8 ડિસેમ્બરે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો જ્યાં પહેલા અઠવાડિયામાં 1,30,000 લોકોને રસી આપવામાં આવી હતી, જ્યારે 10 લાખ સુધી આંકડો પહોંચતા 26 ડિસેમ્બર સુધીનો સમય લાગ્યો હતો.
ચીનની વાત કરીએ તો અહીં 20 જાન્યુઆરી સુધીમાં 15 મિલિયન લોકોને રસી આપવામાં આવી છે. જોકે, ચીન કરતા પણ ભારતમાં કોરોનાની રસી ઝડપથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
દુનિયાભરમાં ગુરુવાર સુધીમાં 57 મિલિયન લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં સૌથી આગળ અમેરિકા છે જ્યાં 17.5 મિલિયન નાગરિકોને રસી અપાઈ છે, આ પછી ચીન (15 મિલિયન), યુકે (5.4 મિલિયન), ઈઝરાઈલ (3.3 મિલિયન), UAE (2.3 મિલિયન), જર્મની (1.4 મિલિયન), ઈટલી (1.3 મિલિયન), તુર્કી (1.1 મિલિયન) અને સ્પેન (1.1 મિલિયન)નો સમાવેશ થાય છે. ભારત આ લિસ્ટમાં 10મા નંબરે છે જ્યાં ગુરુવાર રાત સુધીમાં 10.4 મિલિયન લોકોને રસી અપાઈ હતી.
(સંકેત)